થાઈલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-379ને શુક્રવારે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી અને ત્યાર બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, ફુકેચ એરપોર્ટના અધિકારીઓએ આ જાણકારી આપી. એક અધિકારીએ કહ્યું કે ઈમરજન્સીની પ્રક્રિયા દરમિયાન તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા. નિવેદનમાં કહેવામાં આવ્યું કે એર ઈન્ડિયાના વિમાનમમાં 156 મુસાફરો સવાર હતાં.
વિમાને શુક્રવારે સવારે 9:30 કલાકે ફુકેટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી, પરંતુ 20 મિનિટની ઉડાન બાદ અંદમાન સાગરની ચારોતરફ ચક્કર લગાવી તેનું પાછું ફુકેટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરવું પડ્યું. બાદમાં કહેવામાં આવ્યું કે ચેકિંગ બાદ અધિકારીઓને સંબંધિત એર ઈન્ડિયા વિમાનની અંદર કોઈ બોમ્બ મળ્યો નહોતો.
નોંધનીય છે કે એક દિવસ પહેલા એટલે કે ગત રોજ 12 જુને અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનનો ગોઝારો અકસ્માત થયો. જેમાં સવાર 241 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા છે. માત્ર એક જ વ્યક્તિનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171એ અમદાવાદથી લંડન જવા માટે ટેકઓફ કર્યુ હતું. ટેકઓફના કેટલીક સેકન્ડો બાદ વિમાન ક્રેશ થયું અને મેઘાણીનગરમાં મેડિકલ કૉલેજ પર પડ્યું.
આ દુર્ઘટનામાં 24 મેડિકલ અને નર્સિંગ વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ગોઝારા અકસ્માતમાં કૂલ 265 લોકોએ જીવ ગૂમાવ્યા છે.આ વિમાનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતાં. જે લંડન પોતાની પત્ની અને દીકરીને મળવા જઈ રહ્યા હતાં. તેમનું પણ ઘટનામાં મૃત્યુ છે.