ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. નવસારીના ખેરગામમાં 2 ઈંચ વધુ નોંધાયો છે. જ્યારે આહવા અને વઘઈમાં 2 ઈંચ, વાંસદામાં 1.8 ઈંચ અને વલસાડ અને કપડવંજમાં 1.7 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં શરૂ થાય તેવી શક્યતાઓ છે. ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે, 2થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પુર આવવાની શક્યતા છે.
ત્રીજી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતાં, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓરેન્જ એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-