વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત દરમિયાન રશિયન પ્રમુખે યુક્રેન યુદ્ધમાં રશિયા તરફથી લડી રહેલા ભારતીય સૈન્ય સહાયકોને વહેલી તકે મુકત કરવાની માંગનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીયોના પરિવારને વળતર પેકેજ અને રશિયાની નાગરિકતાની ઓફર કરી છે. જોકે તેમણે જણાવ્યું હતું કે ભારત બેવડી નાગરિકતાનો સ્વીકાર કરતું નથી. આ દરમિયાન ૬ મહિના પૂર્વે યુક્રેનના હવાઇ હુમલામાં માર્યા ગયેલા વેલંજા નજીકના ઉમરાના હેમિલ માંગુકિયાના પિતા અશ્વિન માંગુકિયાએ રશિયાનું નાગરિકત્વ સ્વીકારવાની ઇચ્છા દર્શાવી છે.

માર્ચમાં જ્યારે અશ્વિનભાઇ તેમના પુત્ર હેમિલનો મૃતદેહ લેવા માટે રશિયા ગયા હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે તેમના પરિવારને વળતર પેટે ૧.૩ કરોડ રૂપિયા અને રશિયાની નાગરિકતા અપાશે. એટલું જ નહીં પરિવારના સગીર બાળકને તેના ૧૮ વર્ષ થતાં સુધી માસિક ૧૮ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવાશે.
પણ ચોંકાવનારી વાત એ છે કે જેમણે પોતાનો પુત્ર યુક્રેન યુદ્ધમાં ગુમાવ્યો તે અશ્વિનભાઈ હવે સહપરિવાર ભારત છોડીને રશિયામાં સ્થાયી થવા માંગે છે. તેમણે અને તેમનાં પત્નીએ રશિયાના નાગરિક બનવાનું મન બનાવી લીધું છે.
માંગુકિયાએ જણાવ્યું હતું કે તેમણે રશિયામાં મારું બેન્ક ખાતું ખોલાવી આપ્યું હતું, જેમાં તેમણે મારા ખાતામાં ૪૫ લાખ રૂપિયા પણ ડિપોઝિટ કર્યા હતા. મારા દીકરાનાં લગ્ન પણ થયાં ન હતાં. રશિયન નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા કરવા માટે મારે અનેકાનેક વખત રશિયાનો પ્રવાસ કરવો પડશે. જોકે આ સમયે હેમિલની સાથે ચાર ભારતીયો યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા હતા.