ફ્રાંસની ઈન્ડિયન એમ્બેસીના કહેવા પ્રમાણે ભારતની નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તેમજ ફ્રાંસના ઓનલાઈન પેમેન્ટ કલેકશન લાયરા દ્વારા સંયુક્ત રીતે UPIનુ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે હવે ભારતીય પર્યટકોને UPIથી પેમેન્ટ કરવાની સુવિધા મળશે. ભારતીય પર્યટકો રૂપિયામાં પણ પેમેન્ટ કરી શકશે.
ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે ૨ ફેબ્રુઆરીએ પેરિસમાં એફિલ ટાવર ખાતે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ઔપચારિક રીતે લોન્ચ કર્યું હતું. હવે લોકો UPI દ્વારા એફિલ ટાવર માટે ટિકિટ બુક કરી શકશે. વડાપ્રધાને આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું- આ જોઈને ખૂબ જ આનંદ થયો. UPIને વૈશ્વિક બનાવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે.
આ લોન્ચ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત બાદ કરવામાં આવ્યું છે. મેક્રોન ૨૫ જાન્યુઆરીએ જયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને UPI પેમેન્ટ ડિજિટલ સિસ્ટમ વિશે જાણકારી આપી હતી. તેમને પેમેન્ટ કેવી રીતે કરવું તે શીખવ્યું. આ સિવાય બંને નેતાઓએ ચા પીધી હતી. તેની ચુકવણી રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા કરવામાં આવી હતી.
ભારતમાં RTGS અને NEFT ચુકવણી સિસ્ટમ RBI દ્વારા સંચાલિત છે. IMPS, RuPay, UPI જેવી સિસ્ટમ્સ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત થાય છે. સરકારે ૧ જાન્યુઆરી, ૨૦૨૦ થી UPI વ્યવહારો માટે શૂન્ય-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું હતું.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ UPI પેમેન્ટના ચાહક બની ગયા હતા. ૨૬ જાન્યુઆરીએ સ્ટેટ ડિનર દરમિયાન મેક્રોને કહ્યું- જયપુરમાં પીએમ મોદી સાથે મેં જે ચા પીધી હતી તેને હું ક્યારેય ભૂલી શકતો નથી કારણ કે તેના માટે પેમેન્ટ UPI દ્વારા કરવામાં આવ્યું હતું. તે મારા માટે ખૂબ જ ખાસ હતું. તે ચા અમારી મિત્રતા, હૂંફ, પરંપરા અને નવીનતાનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		