છોટા ઉદેપુરમાં નવા વર્ષના બીજા દિવસે જ સભ્ય સમાજને અપમાનિત કરતી ઘટના સામે આવી હતી. વિગતો મુજબ પીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કુદી પડી હતી. જેમાં ૨ વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ છે. આ તરફ હવે પીકઅપ ચાલકની અટકાયત કરાઇ છે. આ સાથે ચાલકના સાથીઓની શોધખોળ હાથ ધરાઇ છે.
છોટા ઉદેપુર જિલ્લાના કોસીંદ્રામાં આવેલા કુંડીયા ગામની ૬ વિદ્યાર્થિનીઓ શ્રી ટી.વી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. શાળામાંથી છૂટ્યા બાદ તેઓ ખાનગી જીપમાં ઘરે આવવા માટે નીકળી હતી. આ દરમિયાન જીપમાં અંદર બેઠેલી વ્યક્તિઓ આ વિદ્યાર્થિનીઓની છેડતી શરૂ કરી દીધી હતી. જેથી ગભરાઈને બાળકીઓએ ચાલુ જીપમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. જેમાં ચાર વિદ્યાર્થિનીઓને નસવાડી CHCમાં સારવાર માટે ખસેડવામાં આવી.
પીક્અપ જીપમાં આગળની કેબિનમાં ડ્રાઇવર સહિત ત્રણ તેમજ પાછળ બે અન્ય વ્યક્તિઓ બેઠી હતી. વિદ્યાર્થિનીઓ બેસી ગયા બાદ ડ્રાઇવરે ગાડી પૂરપાટઝડપે ભગાવી હતી. ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેસેલી બે વ્યક્તિઓ પાછળની સાઇડ પર આવી અને આમ કુલ ચાર શખ્સોએ ભેગા મળીને વિદ્યાર્થિનીના શરીરના ભાગે અડપલા કરવાનું શરુ કર્યું. ચાલુ ગાડીમાં જ છેડતી થતાં વિદ્યાર્થિનીઓએ પોતાને બચાવવા બૂમાબૂમ શરુ કરી હતી.
છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતીને લઈને રાજ્ય સરકાર પણ ગંભીર બની છે. છેડતી બાદ વિદ્યાર્થિનીઓ ચાલુ પીકઅપ વાનમાંથી કુદી જતા બાળકીઓને ઇજા પહોંચી હતી. જે બાદમાં હવે આ ઘટનાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગંભીરતાથી નોંધ લીધી છે. આ સાથે પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		