Sunday, Sep 14, 2025

ગોડાદરામાં દબાણો હટાવવા ગયેલા પાલિકાની ટીમ ઉપર હુમલો, બેની ધરપકડ

2 Min Read

નવાગામ-ડિંડોલી અને ગોડાદરાના ઝીરો દબાણ રૂટ મહાનગરપાલિકા માટે માથાનો દુ:ખાવો સાબિત થઇ રહ્યાં છે. પાલિકાની દબાણ વિરોધી ઝુંબેશમાં અવાર-નવાર આ રૂટ પર ફેરિયાઓ સાથે ઘર્ષણના કિસ્સા છતાં દાખલારૂપ કાર્યવાહીના અભાવે બેફામ બનેલાં કેટલાક અસામાજિક તત્વોએ સોમવાર સાંજે વધુ એકવખત પાલિકા ટીમ ઉપર હુમલો કર્યો હતો. પાલિકા ટીમે ૨ હુમલાખોરોને પકડી પોલીસને સોંપ્યા હતાં.

ગોડાદરાના સુપર સિનેમા રોડ ઝીરો દબાણ રૂટમાં હોવાથી લિંબાયત ઝોન દ્વારા સોમવાર સાંજે ડ્રાઇવ શરૂ કરાઇ હતી. લારી-ગલ્લા અને પાથરણાં ઉપાડવાની કામગીરીને જોતા જ રોડ પરથી માલ-સામાન ઉપાડી ફેરિયાઓએ દોટ મુકી હતી. જોકે, પાલિકાના દબાણ વિભાગના કર્મીઓએ એક પછી એક લારી-ગલ્લા અને પાથરણાં ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ તબક્કે કેટલાંક વિક્રેતાઓ પોતાનો માલ-સામાન છોડાવવા ધક્કામુક્કી પર ઉતરી આવ્યાં હતાં. પાલિકાએ સ્થાનિક પોલીસને કામગીરી પૂર્વે જ સાથે રાખી હતી.

પોલીસની હાજરી વચ્ચે જ કેટલાક ફેરિયાઓ ઝપાઝપી કરી ગયાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં પાલિકાના માર્શલે ૨ યુવકોને ડિટેઇન કરી સ્થાનિક પોલીસને સોંપ્યા હતાં. જેમને પોલીસ મથક લઇ જઇ આસિસ્ટન્ટ ઇજનેર હર્ષ પાંડેએ કાયદેસર કાર્યવાહી માટે ફરિયાદ રજૂ કરી હતી. મોડી સાંજ સુધી પોલીસ સ્ટેશન પર FIR માટે કાર્યવાહી ચાલી રહી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article