સુરત શહેરમાં જ્વેલર્સને છેતરતી ગેંગને પોલીસે પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગે છેલ્લા પાંચ મહિનામાં સમગ્ર રાજ્યમાં ૨૦ જ્વેલર્સને બોગસ દાગીના આપી ૧૨ લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે આ ગેંગના ૬ સાગરિતોને પકડી પાડીને ૧૦ લાખથી વધુની કિંમતના દાગીના કબજે કર્યાં છે. પોલીસે ૬ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ઉત્રાણ પોલીસે ઝડપેલા આરોપીઓ સોનાની ઓછી ગુણવત્તાવાળી ચેઈન પોતે જ બનાવતા હતાં. તેઓ ૯૧૬ હોલમાર્ક વાળી ચેઈનમાં સોનું ઓછું અને અન્ય ધાતુનું પ્રમાણ વધારે રાખીને સોનાની ચેઈન બનાવતાં હતાં. આ ચેઈન તેઓ રાજ્યમાં સોના ચાંદીની દુકાન ધરાવતાં વેપારીઓને ઉંચા ભાવે આપતાં અને તેના બદલામાં ૨૨ કેરેટની ઓરિજિનલ ચેઈન લેતા હતાં.
ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન, કડી, ગીની, ટુકડી, તારનું ફીડલ અને પેડલ એમ કુલ ૧૦.૧૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તો તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા રાજ્યભરના ૨૦ જેટલા જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી હતી. ભોગ બનનારાઓમાં સુરત, વલસાડ , અમદાવાદ, રાજકોટ, જુનાગઢ , મોરબી,જામનગર, ગોંડલ અને અમરેલીમાં જવેલર્સનો સમાવેશ થાય છે. અસલી સોનાના નામે આ ટોળકી ખોટું સોનુ પધરાવી પૈસા પડાવી લેતી હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
આ પણ વાંચો :-