નકલી અધિકારીઓ પકડાતા હતા અને પકડાય તે પહેલા નકલી અધિકારીની ઓળખ આપી ઘણા લોકો સાથે છેતરપિંડી આચરતા હતા, પરંતુ હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે સાંભળશો તો બે ઘડી વિશ્વાસ જ નહીં આવે. છોટાઉદેપુરમાં કાગળ ઉપર આખે આખી ખોટી સરકારી કચેરી જ ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે ૨ આરોપીની ધરપકડ કરીને ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની બોગસ ડોક્યુમેન્ટથી એક ખોટી સરકારી કચેરી બનાવી દીધી હતી. જે બાદ તેણે ૨૦૨૧થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું હતું. સંદીપ રાજપૂતે સરકાર પાસેથી કુલ ૯૩કામના ૪ કરોડ ૧૫ લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી નાખી. એટલે કે ખોટી સરકારી ઓફિસ શરૂ કરી સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી ૪ કરોડ ૧૫ લાખથી વધુની ગ્રાન્ટ લીધી હતી. તેણે ૨૬ જુલાઇ ૨૦૨૧થી અત્યાર સુધી કુલ ૯૩ કામોના રૂ ૪,૧૫,૫૪૯૧૫ કરોડનું કૌભાંડ આચર્યું હતું.
૨૫ તારીખે ઉદવહન સિંચાઈ યોજનાની મિટિંગ યોજાઈ હતી. જેમાં હાજર બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને જ્યારે બોર્ડર વિલેજ યોજનાની વર્ષ ૨૦૨૩-૨૪ ઉદવહન સિંચાઈ યોજનાની ૧૨ કામોની રૂ. ૩.૭૪ કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેઓએ આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી સંદીપ રાજપૂત અને તેના મદદગાર અબુબકર સૈયદ નામના બે ઠગોની ધરપકડ કરી હતી. જે બાદ તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંનેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો :-