ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળતા હતા, પરંતુ હવે નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યાં છે. ચિંતાનો વિષય એ છે કે આ હાર્ટ એટેકના બનાવોમાં ઓન ધ સ્પોટ મોત થાય છે જેથી સારવાર માટેનો સમય મળતો નથી. નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવ વધતા આરોગ્ય નિષ્ણાંતો પણ ચિંતામાં મુકાયા છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૯થી વધુ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જેમાંથી કેટલાકના ગરબે રમતા રમતા મૃત્યુ થયા છે. અમદાવાદમાં પણ ચાલુ ગરબાએ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થતા ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.
અમદાવાદના વટવાના ઓમકાર હિલ્સ ખાતે રહેતો રવિ પંચાલ નામનો ૨૮ વર્ષીય યુવક મિત્રો અને પરિવારજનો સાથે હાથીજણ સર્કલ પાસે આવેલ વૃંદાવન પાર્ટીપ્લોટમાં ગરબા રમવા માટે ગયો હતો. વૃંદાવન પાર્ટી પ્લોટમાં રવિ અને તેના મિત્રો ગરબા રમી રહ્યા હતા, આ દરમિયાન અચાનક જ રવિ ઢળી પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો.જે બાદ રવિને ગરબામાં હાજર એક નર્સ અને પોલીસ જવાને CPR આપ્યું હતું. બાદમાં મણિનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ચાલુ ગરબાએ રવિને હાર્ટ એટેક આવ્યો હતો અને તે અચાનક જ નીચે ઢળી પડ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રવિ અને અન્ય બે વ્યક્તિ ગરબા રમી રહ્યા છે. આ દરમિયાન ચાલુ ગરબાએ અચાનક જ રવિ ઢળી પડે છે અને બેભાન થઇ જાય છે. રવિ પંચાલના નાના ભાઈ જિગ્નેશ પંચાલે કહ્યું કે, રવિની ઉંમર 28 વર્ષની જ હતી, તેને કોઈ બીમારી પણ નહોતી. અમારા પિતાનું ૮ વર્ષ પહેલા અવસાન થયું છે. તેથી ઘરની તમામ જવાબદારી મારા ભાઈ રવિ પર જ હતી. રવિ કઠવાડા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે કામ કરતો હતો.
આ પણ વાંચો :-
• ઈન્દ્રમણિ પાંડે BIMSTECના આગામી મહાસચિવ બન્યા, પ્રથમ વખત કોઈ ભારતીયને મળી જવાબદારી
• ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ