મનહર કાકડિયા, ગોપાલ ડોકાનિયા, મનહર સાંસપરા સહિત અન્ય અગ્રણીઓના ૩૨ કરોડના દાનથી

Share this story
  • સુરતના સીમાડે સાકાર થયેલું ‘આશીર્વાદ માનવ મંદિર’ સુરતની સેવાની ઓળખમાં નવો ઉમેરો કરશે
  • સુરતમાં સેવાના ભેખધારીઓનો તોટો નથી, રોડ ઉપરથી એક બેસહારા અને માનસિક અસ્થિર મહિલા મળી અને આખી સંસ્થા ઊભી થઈ ગઈ!
  • મનહર કાકડીયા, ગોપલ ડોકાનીયાની એક દિવસની મુલાકાતથી બેસહારા, નિરાધાર, માનસિક, શારિરીક વિંકલાંગોના નસીબપ ખુલી ગયા
  • રસ્તે રઝળતા લોકોને લાવીને તેમના મળ-મૂત્ર સાફ કરવાનું તો જ શક્ય બને વ્યકિતના મનમ અનુકંપા હોય, આશીર્વાદ માનવ‌મંદિરમાં અત્યાર સુધીમાં આવા ૪૩૫૦ લોકોને લાવવા આવ્યા હતા અને ૨૩૫૦ને સારા કરીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
  • માનસિક અસ્વસ્થ અને શિકાર બનેલી મહિલાઓએ અત્યાર સુધીમાં રપ બાળકોને જન્મ આપ્યા, બાળકને પિતાની ખબર નથી માતા અજાણ છેઃ સંસ્થાએ આવા બાળકોને ઉછેરીને શિક્ષણ સંસ્થાઓમા અભ્યાસ કરવા મુકી દીધા
  • મનહર કાકડીયાનું મન, લાગણી જાણવાનુ્ કામ ખુબ અઘરૂ છે પરંતુ આશીર્વાદ માનવમંદિર માટે તેમને હાથ વરસી ગયો, કદાચ તેમના ધર્મપત્ની સ્વ. વર્ષાબહેન અને માતા વસંતબહેનની લાગણીએ પ્રેરણા આપી હશે
ગરીબ, કચડાયેલા લોકો, પરિવારો કે અનાથ પ્રત્યે ગુજરાતીઓમાં અનુકંપા સતત વહેતી રહે છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ઠેર ઠેર સદાવ્રતો ચાલતા રહે છે. રસ્તેથી પસાર થનાર રાહદારીને આવકારીને ભોજન, પ્રસાદી કરાવવી એ ગુજરાતનો સ્વભાવ છે. દેશનાં અન્ય પ્રાંતોમાં અનેક તીર્થસ્થાનો હશે, પરંતુ ગુજરાતમાં ઘરેઘરમાં તીર્થસ્થાનો ધમધમે છે. ગુજરાતની ધરા એક એવી ધરા છે કે અહીંયા કોઈ વ્યક્તિ ભૂખને કારણે મૃત્યુ પામી નહીં હોય. ગુજરાતમાં માત્ર સદાવ્રતો જ ચાલે છે એવું નથી. ગુજરાતે આ દેશને અનેક સંતો, મહંતોની ભેટ આપી છે. સાપ્રંત સમયમાં વિશ્વમાં ધર્મધજાનો વાવટો ફરકાવનાર સ્વામિનારાયણ સંસ્થાનાં ધર્મ ધુરંધર પ્રમુખ સ્વામી પણ આ જ ગુજરાતની ધરતીએ આપ્યા હતા. મહાત્મા ગાંધી, નરસિંહ મહેતા પણ આ જ ગુજરાતની ધરતીનાં સંતાનો હતા. ખુદ ભગવાન કૃષ્ણ મથુરા છોડીને ગુજરાતનાં દ્વારકામાં વસ્યા હતા અને એટલે જ તેઓ ‘દ્વારકાધીશ’ તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રનું જગપ્રસિદ્ધ આપાગીગાના તીર્થધામ સતાધાર, જલારામ બાપાના વીરપુર, બજરંગદાસ બાપાના બગદાણામાં આજે પણ અવરિત સદાવ્રતો ચાલતા રહે છે. જ્યાં આવનારની ઓળખ, જ્ઞાતિ, જાતિ પૂછવામાં આવતી નથી. સવાર, બપોર, સાંજ ભોજન-પ્રસાદ અને રાત પડી ગઈ હોય તો રાતવાસો કરવાની પણ છૂટ છે.
ભાવનગર જિલ્લાનાં ઉમરાળા નજીક ધોરીમાર્ગ ઉપરનાં ટીંબીગામમાં આવેલ નિર્દોષાનંદજીની હોસ્પિ.માં ગંભીર રોગોની સાવ વિનામૂલ્યે સારવાર ઉપરાંત દરદી અને સાથે આવેલા સ્નેહીજનોની રહેવા-જમવાની સગવડ એ પણ સાવ વિનામૂલ્યે આપવામાં આવે છે. વળી દીકરીઓને શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થાનાં સૌથી પહેલા પ્રમુખ સુરતનાં જ ઉદ્યોગ અગ્રણી જીવરાજ ધારૂકાવાળા હતા.
ખેર, ગુજરાતની ધરતી સંત અને શૂરાની ધરતી છે. અહીંયા સંતો પણ એટલા પાક્યા છે અને અન્યાયનો ભોગ બનેલા લોકોને ઉગારવા પોતાનાં ઘરબાર ત્યજીને ‘બહારવટુ’ કરવા મેદાને પડનારા અનેક નરબંકાઓનો ઇતિહાસ સાક્ષી છે. દ‌િક્ષણ, મધ્ય અને ઉત્તર ગુજરાતને બાદ કરતાં સૌરાષ્ટ્ર-કચ્છનાં મોટાભાગનાં ગામડાંઓનાં પાદરમાં ‘પાળિયા’ ઊભેલા જોવા મળશે. આ એવા લોકો હતા કે જેઓ મજબૂર લોકો, બહેન-દીકરી અને પશુઓનું રક્ષણ કરતાં કરતાં શહીદ થઈ ગયા હતા. અને એટલે આજે આવા વીર પુરૂષોનાં પાળિયા પુજાઈ રહ્યાં છે.
ગુજરાતનો જ એક ભાગ ગણાતો સૌરાષ્ટ્ર પથંક કંઈક જુદો જ ‌િમજાજ ધરાવે છે. કાળક્રમે સ્વભાવમાં પરિવર્તન આવ્યું હશે, પરંતુ આફતનાં સમયે કે કંઈક નવું કરવાનું હોય, સમાજસેવાનાં કેન્દ્રોનું નિર્માણ કરવાનું હોય ત્યારે સૌરાષ્ટ્રનાં લોકોને આળસ મરડીને બેઠા થતાં વાર લાગતી નથી. વીતેલા પાછલા લગભગ પાંચ દાયકા ઉપર નજર દોડાવવામાં આવે તો સમગ્ર દ‌િક્ષણ ગુજરાતમાં ઠેર-ઠેર મંદિરો અને માનવસેવાનાં કેન્દ્રો ધમધમતા થઈ ગયા છે. આની પાછળ પણ ગુજરાતનાં લોકોની માનવીય સેવાની ભાવના સંકળાયેલી છે.
આવું જ એક માનવતાથી છલોછલ ભરેલું કેન્દ્ર સુરતનાં દરવાજે ‘આશીર્વાદ માનવમંદિર’નાં નામથી ધમધમી રહ્યું છે અને આજે એટલે કે રવિવાર તા.૧૧મી ફેબ્રુઆરીનાં રોજ લગભગ ૩૨ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન અને નવી સુવિધાઓ સાથે ‘આશીર્વાદ માનવમંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ માનવમંદિરનાં નિર્માણ પાછળ પણ માનવીય અનુકંપા નિમિત્ત બની હતી. લગભગ ૨૦૦૪નાં વર્ષમાં વરાછા-કામરેજ રોડ ઉપર એક બિનવારસી, મનોદિવ્યાંગ અને સગર્ભા હાલતમાં એક મહિલા મળી આવી હતી. જેનું કોઈ જ વારસ નહોતું. આ મહિલા માનસિક દિવ્યાંગ એટલે કે અસ્થિર મગજની હોવાથી તેને પોતાને પણ પોતાનાં વિશે માહિતી નહોતી!! આ મહિલાની હાલત જોઈને નરેશ ગોધાણી નામનાં સજ્‍જનનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. નરેશ ગોધાણીએ સાથી મિત્રો કિશોર ગજેરા, વિઠ્ઠલ ગોળકિયા, ભરત માંગુકિયા, પરેશ ગોધાણી, સુનીલ પટેલ અને ‘ભગત’નાં નામથી ઓળખાતા જેરામભાઈ સાથે મળીને આવા બિનવારસી, નિરાધાર, માનસિક દિવ્યાંગ, વિકલાંગ વગેરે લોકોને આશ્રય આપવા માટે ‘માનવમંદિર’ નામની સંસ્થા ઊભી કરી હતી. પેલી નિરાધાર મહિલાની સેવા કરવા સાથે પ્રસૂ‌િત પણ કરાવી હતી, પરંતુ આ આખી ઘટના હૃદયદ્રાવક હતી. આ ઘટના બાદ નજર દોડાવવામાં આવી તો આવા તો અનેક નિરાધાર, બેસહારા, માનસિક, શારીરિક વિકલાંગો નજર પડવા માંડ્યા. આ એવા લોકો હતા કે જેઓ ‘બેકસૂર’ હતા. તેમનો કોઈ વાંક ગુનો નહોતો છતાં તરછોડી મૂકવામાં આવ્યા હતા. વળી આ પૈકીનાં મોટાભાગનાં લોકો ‌િભખારી જેવું જીવન જીવતા હતા.

આવા અનેક લોકોને જોઈને જેરામભાઈ ‘ભગત’ અને સાથી મિત્રોએ માનવસેવા કરવાની ગાંઠ વાળી હતી અને એક લાલજીભાઈ સાવલિયા નામનાં સજ્‍જનની સહાયથી સુરતથી નજીકનાં અંતરે ગોથાણ ખાતે માત્ર ૧૦૦૦ વારનાં પ્લોટમાં અને પતરાનાં શેડમાં ‘માનવમંદિર’ની સરવાણી શરૂ કરી હતી. જેમાં અનિલ ધોળકિયા, પરેશ ગોધાણી અને સ્વ. ભગત ગજેરાનો સહયોગ મળતા નિરાધાર, બીમાર, વિકલાંગ લોકોનાં જીવનમાં ઉજાસ પથરાયો હતો અને ક્રમશઃ લોકો સેવાનો હાથ પણ લંબાવતા જતાં માનવસેવાની પ્રવૃત્તિ દીપી ઉઠી હતી.
દરમિયાન સુરતનાં અગ્રણી ઉદ્યોગપતિ મનહર કાક‌ડિયા અને ગોપાલ ડોકાનિયાની માનવમંદિરની એક સાંજની મુલાકાતે આખી સ્થિતિ બદલી નાંખી હતી. કદાચ નિરાધાર, વિકલાંગ લોકો માટે આ બંને અગ્રણીઓ ફરિસ્તા બનીને આવ્યા હશે. બની શકે કે, કુદરતે તેમને ‘માનવમંદિર’ની મુલાકાત લેવા માટે પ્રેરણા આપી હશે.
મનહર કાક‌િડયા તથા ગોપાલ ડોકાનિયાએ સંચાલકોને સંસ્થાને અદ્યતન સુવિધાજનક બનાવવા છુટો દોર આપી દીધો હતો! ખર્ચ ગમે તેટલો થાય પાંચ, દસ, પંદર, વીસ કરોડ કે પછી ખર્ચનો આંકડો ગમે ત્યાં પહોંચે, આ બંને ફરિસ્તાઓએ સંચાલકોને ખર્ચ કરવાની અને ‘માનવમંદિર’ને ખરેખર માનવમંદિરની વ્યાખ્યામાં સાકાર કરવાનું કહેતા સંચાલકોનાં મન-હૃદય અનુકંપા અને લાગણીથી છલકાઈ ગયા હતા અને ૨૦૧૬નાં વર્ષમાં ૧૦ હજાર ચોરસવાર જમીનમાં ‘આશીર્વાદ માનવમંદિર’નો ‌િશલાન્યાસ કરાયો હતો અને ૩૨ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત ભવનનું આજે રવિવાર તા.૧૧મી ફેબ્રુઆરીનાં રોજ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્યનાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, પૂર્વ મંત્રી નાનુ વાનાણી સહિત અનેક રાજકીય, સામાજિક મહાનુભાવો અને ધાર્મિક સંસ્થાનાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બધાની વચ્ચે અને મોટી સંખ્યામાં લોકોની હાજરી જોઈને સંસ્થામાં નિવાસ કરતાં બેસહારા લોકોની આંખોમાં નવી ચમક આવી ગઈ હતી.
સામાન્ય સંજોગોમાં મનહર કાક‌િડયાનું મન-લાગણી જાણવા ખૂબ જ અઘરું છે. તેઓ વિવિધ સંસ્થાઓમાં દાન-સહાય આપતા આવ્યા છે, પરંતુ કોઈ સંસ્થા માટે અઢળક દાન અને એ પણ ‘બેમર્યાદ’ દાન આપવાની કદાચ આ પહેલી ઘટના હશે. પોતીકા પાટીદાર સમાજ માટે ખૂબ મોટું દાન કર્યું હશે. પરંતુ નિરાધાર લોકો માટે મનહર કાક‌િડયાએ માનવસેવાની ખુમારી સાથે લંબાવેલો હાથ ‘આશીર્વાદ માનવમંદિર’ને ખરા અર્થમાં માનવસેવાનું મંદિર બનાવશે.
કદાચ એવું પણ બની શકે કે તેમના ધર્મપરાયણ પત્ની સ્વ.વર્ષાબહેન અને માતા વસંતબહેનની પ્રેરણા કામ કરી ગઈ હશે. કારણ ખૂબ જ કાળજી સાથે એક એક શબ્દ તોળી તોળીને બોલનારો માણસ બિનદાસ્ત બનીને સેવાનો હાથ લંબાવે ત્યારે ચોક્કસ ઈશ્વરીય પ્રેરણા કામ કરતી હશે.
મનહર કાક‌િડયા અને ગોપાલ ડોકા‌િનયાની સાથે જ સુરતનાં નખ‌િશખ સજ્‍જનો ગણાતા અનુભાઈ તેજાણી, જસમત વિડીયા, મનહર સાંસપરા સહિત અનેક નામી, અનામી લોકોએ આર્થિક મદદનો ધોધ વહેડાવતા ‘આશીર્વાદ માનવમંદિર’ની સેવાની મહેક દાયકાઓ સુધી મહેકતી રહેવા સાથે અનેક લોકોને જરૂરિયાતમંદોને મદદ કરતાં રહેવાની પ્રેરણા પૂરી પાડશે.
લોકોને જાણીને નવાઈ લાગશે કે ‘આશીર્વાદ માનવમંદિર’માં રોજનો સરેરાશ ખર્ચ સવાથી દોઢ લાખ થાય છે. પરંતુ આજ પર્યંત ક્યારેય પણ સેવા અટકી નથી. રોજ સવારે બોર્ડ ઉપર ‘પ્રભુજીને ચિઠ્ઠી’ લખવામાં આવે અને સાંજ સુધીમાં કેટલાય નામી, અનામી દાતાઓ ‘આશીર્વાદ માનવમંદિર’માં સહાય કરવા આંગણે આવીને ઊભા હોય!!
વળી માત્ર સ્થાનિક નહીં અમેરિકા, કેનેડા, યુકે સહિત વિદેશમાં રહેતાં લોકો હાથ લંબાવતા રહે છે. ‘આશીર્વાદ માનવમંદિર’નું લોકાર્પણ થવાનું હોવાની જાણ થઈ અને અમેરિકા રહેતાં મનહર કાક‌ડિયાનાં મિત્રએ પોતાનો હાથ લાંબો કરી દીધો.
આ સંસ્થા માત્ર બીમારો કે નિરાધાર લોકોની સહાય કરે છે એવું નથી. તાજેતરમાં કોરાનાની મહામારી દરમિયાન રોજનાં ચાર હજાર કરતાં  વધારે લોકો સાવ વિનામૂલ્યે ભોજન મેળવતા હતા!
અત્યાર સુધીમાં સંસ્થામાં દાખલ કરાયેલા નિરાધાર, બિનવારસી ૪૩૫૦ લોકોનાં મળમૂત્ર સાફ કરવા સાથે તબીબી સારવાર કરીને ૨૩૫૦ જેટલા લોકોને પોતાનાં પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું! આ પૈકીનાં મોટાભાગનાં તામિલનાડુ, રાજસ્થાન, ઓડિસા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોનાં હતા.
આશીર્વાદ માનવમંદિરનાં પ્રાંગણમાં અત્યાર સુધીમાં ૨૫ જેટલા ભુલકાઓનો જન્મ થયો છે આ એવા બાળકો છે કે જેને પોતાનાં પિતાની ખબર નથી. કારણ કે મોટાભાગની જનેતાઓ માનસિક બીમાર હોવાથી શિકાર બનેલી હતી. પરંતુ ‘આશીર્વાદ માનવમંદિર’નાં સંચાલકોએ આવા બાળકોને ઉછેરીને મોટા કરીને અન્ય શાળાઓ, આશ્રમ શાળાઓમાં વિદ્યાભ્યાસ માટે મૂકી છે, જેમાં કામરેજ નજીકનાં ખોલવડ સ્થિત ઉદ્યોગ અગ્રણી વસંત ગજેરાનું વાત્સલ્ય ધામ અને સૌરાષ્ટ્રનાં અમરેલી જિલ્લાનાં બાબાપુર ગામની શાળાનો સમાવેશ થાય છે. સંસ્થાનાં નવનિર્મિત ભવનનું ઉદ્‍ઘાટન કરનાર કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ તેમની શિક્ષક તરીકેની કારકિર્દીનો બાબાપુર ખાતેથી પ્રારંભ કર્યો હતો.
‘આશીર્વાદ માનવમંદિર’માં પાછલા બે દાયકા દરમિયાન લગભગ ૫૫૪ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ બધાનાં તેમના ધર્માનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો :-