Tuesday, Jun 2, 2026

રશિયાના મિસાઇલ-ડ્રોન હુમલાથી યુક્રેનમાં 11નાં મોત, અનેક ઘાયલ; કાટમાળમાં ફસાયા લોકો

2 Min Read

રશિયાએ મંગળવારે રાત્રે યુક્રેન પર મિસાઇલ અને ડ્રોન દ્વારા મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘણી ઇમારતોને નુકસાન થતાં કેટલાક લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા, જેમને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

યુક્રેનની ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, રાજધાની કીવમાં ચાર લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. શહેરના આઠ જિલ્લાઓમાં રહેણાંક મકાનો અને અન્ય નાગરિક માળખાઓને નુકસાન પહોંચ્યું છે.

યુક્રેનના અન્ય વિસ્તારોમાંથી પણ હુમલાના અહેવાલ મળ્યા છે. મધ્ય યુક્રેનના ડ્નીપ્રોપેત્રોવ્સ્ક વિસ્તારમાં રશિયાના હુમલામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ડ્નીપ્રો શહેર પર કરવામાં આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે ફરી એક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક રાહતકર્મીનું પણ મોત થયું હતું. હુમલાથી એક બે માળનું મકાન અને ચાર માળની એપાર્ટમેન્ટ ઇમારતનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. મોટી ઇમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

યુક્રેનને પહેલાથી જ હુમલાની આશંકા હતી
સમગ્ર રાત અને સવાર સુધી વિસ્ફોટોના અવાજો સંભળાતા રહ્યા હતા. યુક્રેને અગાઉથી જ આવા મોટા હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ તાજેતરમાં ચેતવણી આપી હતી કે રશિયા નવો મોટો હુમલો કરી શકે છે. તેમણે લોકોને હવાઈ હુમલાની ચેતવણી દરમિયાન સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી હતી.

કીવના પોડિલ્સ્કી જિલ્લામાં આવેલી નવ માળની ઇમારતના ઉપરના માળોને નુકસાન પહોંચ્યું હતું. અહીં પણ અનેક લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. સવાર સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી, જ્યારે હવાઈ હુમલાની ચેતવણી પણ અમલમાં હતી. સોલોમિયાન્સ્કી જિલ્લામાં આવેલી 20 માળ અને 24 માળની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

યુક્રેન સતત તેના સહયોગી દેશો પાસેથી વધારાની હવાઈ સંરક્ષણ મિસાઇલોની માંગ કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે યુક્રેન મોટાભાગના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળ રહે છે, પરંતુ રશિયાની બેલિસ્ટિક મિસાઇલો હજુ પણ દેશની સુરક્ષા માટે મોટો પડકાર બની રહી છે.

Share This Article