પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યા હતા. જેમાં છ દર્દીઓને મેળામાં પરેડ મેદાન પર ઉપસ્થિત કેન્દ્રીય હોસ્પિટલમાં અને પાંચ દર્દીઓને સેક્ટર-20ની સબ સેન્ટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુલ 11માંથી નવ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે બે દર્દીઓની સ્થિતિ ગંભીર બનતાં તેમને એસઆરએન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રવિવારે મેળામાં શરૂ કરેલા કેન્દ્રીય હોસ્પિટલની 10 બેડના આઈસીયુ વોર્ડ હાર્ટ અટેકના દર્દીઓથી ભરાઈ ગયું હતું. ડોક્ટર્સે હાર્ટ અટેક આવવા પાછળનું કારણ વરસાદ અને ઠંડી હોવાનું જણાવ્યું છે. તેમણે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરતાં શ્રદ્ધાળુઓને સાવચેતીઓ રાખવા સલાહ આપી છે.
તબીબી વિશેષજ્ઞોએ મહાકુંભમાં આવેલા ભક્તોને સાવચેત રહેવાની સલાહ આપી છે, ખાસ કરીને પવિત્ર સ્નાન દરમિયાન. હૃદયરોગના હુમલાના મુખ્ય કારણો પૈકી એક ઠંડી હવામાં ઠંડા પાણીમાં સ્નાન કરવું છે. જણાવી દઇએ કે, ઠંડા પાણીમાં સ્નાન કરવાથી શરીરની નસો થીજી શકે છે, જેનાથી રક્ત પુરવઠામાં વિક્ષેપ પડે છે, જેની શરીર પર ખરાબ અસર પડી શકે છે. આ સ્થિતિએ રક્ત પુરવઠામાં વિક્ષેપ આવવાથી હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે. તબીબોનું કહેવું છે કે, જ્યારે પણ કોઇ વ્યક્તિને છાતીમાં બળતરા, દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા હાથ, કમર અને જડબામાં દુખાવાનો અનુભવ થાય, ત્યારે તેમણે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ, કારણ કે આ હૃદયરોગનો સંકેત હોઈ શકે છે.
આ પણ વાંચો :-