સુરતના નેશનલ હાઈવે નં : ૪૮ પર એક સાથે ૧૦ વાહનોની ટક્કર અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત

Share this story
  • સુરતના કીમ ચાર રસ્તા પર એક પછી એક ૧૦ જેટલા વાહનો વચ્ચે ટક્કર થતા ક્ષણિક અફરાતફરી મચી ગઈ હતી. જેમાં અનેક વાહનચાલકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યુ છે.

સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે અકસ્માતનું ‘ઘર’ બની ગયો હોય તેમ છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર ૪૮ પર ગત મોડી રાત્રે મોટા અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કોસંબા તરફના માર્ગ પર સુરતના કીમ ચાર રસ્તા એક પછી એક ૧૦ જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સુરત પંથકમાં પેસેન્જર્સ ભરવાની લ્હાઈમાં હાઈવે પર અડચણરૂપ, જોખમી રીતે લકઝરી બસો થોભાવી ચાલકો આડેધડ પેસેન્જર ભરતા હોવાની ભૂતકાળમાં અનેક વખત રાવ ઉઠી હતી. ત્યારે હાઈવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો ભટકાયા હતા.

૪ જેટલી લકઝરી બસ, ૪ જેટલી કાર, ૨ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટનાને પગલે ક્ષણિક અફરાટફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે પર પેસેન્જ ભરવા વાહનો થોભાવી દેવામાં આવે છે.જેને લઈને નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા હોવાથી તેને અંકુશમાં રાખવા માટે નિયમ અને ચેકીંગ કરવામાં સહિતની કાર્યવાહીની માંગ ઉઠી છે.

આ પણ વાંચો :-