સુરતના રાંદેરમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આરોપ, શિંવાજની હોસ્પિટલ

Share this story

સુરતના રાંદેર વિસ્તારની શિંવાજની હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. હોસ્પિટલના ડોક્ટર ધવલ પટેલની બેદરકારીથી ૬૫ વર્ષીય મહિલાનું મૃત્યુ નિપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ ડોક્ટર ધવલ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોના આરોપ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

શહેરની શિંવાજની હોસ્પિટલમાં ૬૫ વર્ષીય શાંતાબેન પટેલનું કરોડરજ્જુનું ઓપરેશન થયું હતું. ઓપરેશન દરમિયાન શાંતાબેન પટેલનું મૃત્યુ થયું છે. જે બાદ પરિવારજનોએ શિંવાજની હોસ્પિટલના ડૉ. ધવલ પટેલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તો બીજી બાજુ ઓપરેશન દરમિયાન દર્દીને હ્રદયની સમસ્યા થઈ હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે.

શાંતબેનના જમાઈ હિમાંશુભાઈ પટેલે જણાવ્યું કે, મારા સાસું શાંતિબેનને સ્પાઈનનો પ્રોબ્લેમ હોવાથી તેમને ધવલ પટેલની હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા.  ડોક્ટર ધવલ પટેલે બીજા દિવસે સવારે ઓપરેશનનો સમય નક્કી કર્યો હતો. નક્કી કરેલા સમયે તેમને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. અમને ઓપરેશનનો બેથી અઢી કલાકનો સમય કહેવામાં આવ્યો હતો.

સાંજે ૪.૨૦ કલાકે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે, ઓપરેશન દરમિયાન તેમને હાર્ટનો પ્રોબ્લેમ થયો હતો અને જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. અમારી માંગ છે કે ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમારું સ્વજન તો ચાલ્યું ગયું છે, કોઈ અન્ય વ્યક્તિ સાથે આવો બનાવ ન બને તે માટે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે.

આ પણ વાંચો :-