Saturday, Oct 25, 2025

રાજ્યના 10 જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદનો યલો એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી

2 Min Read

ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારો માટે વરસાદ સંબંધિત એલર્ટ જાહેર કર્યા છે. આવતીકાલે કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે, જે સૂચવે છે કે નાગરિકોએ વધુ સાવચેતી રાખવી પડશે.

આ ઉપરાંત, રાજ્યના અન્ય 9 જિલ્લાઓ માટે પણ ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જે મધ્યમથી ભારે વરસાદની શક્યતા દર્શાવે છે. આ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાંથી દેવભૂમિ દ્વારકા અને પોરબંદરનો સમાવેશ થાય છે. ઉત્તર અને ઉત્તર પૂર્વી ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ અને વૃક્ષો પડવા જેવી સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક તંત્રને પણ સાવચેતીના પગલાં લેવા અને કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ માટે સજ્જ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ
ગુજરાતમાં મેઘરાજાની સવારી આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે, ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે આ વિસ્તારોમાં સાવચેતીના વિશેષ પગલાં લેવા પડશે.

આ ઉપરાંત, રાજ્યના અન્ય 9 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર નો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના આણંદ, ભરૂચ, નવસારી, દમણ અને દાદરા અને નગર હવેલી માં પણ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સામાન્ય વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા છે, અને જમીન ઉપર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને 35 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને લઈને દરિયો ન ખેડવાની ચેતવણી (વોર્નિંગ) આપવામાં આવી છે.

Share This Article