ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર આકરા પ્રહારો કર્યા છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે પહેલગામમાં જે બન્યું તે દુઃખદ છે. તેમણે પીએમ મોદીને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ સાથે તેમણે પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર ગણાવ્યું. આ ઉપરાંત, બાંગ્લાદેશ અંગે સતત આવી રહેલા નિવેદનો પર તેમણે કહ્યું કે તમને જે દેશ મળ્યો છે, તે અમારા કારણે મળ્યો છે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “પહલગામમાં જે બન્યું તે દુઃખદ છે, અમે તેની નિંદા કરીએ છીએ. કોઈ બહારથી આવીને આપણા લોકોને મારી શકે નહીં. આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાનથી લોકો આવીને આપણા લોકોને મારી નાખે છે. આપણે નરેન્દ્ર મોદીજીને અપીલ કરીએ છીએ કે તેઓ તેમની સામે કાર્યવાહી કરે. અમને આશા છે કે પાકિસ્તાન ફરીથી આવું ન કરે તે માટે નક્કર પગલાં લેવામાં આવશે. અમે આસિફ મુનીરને કહેવા માંગીએ છીએ કે 1947 માં અમે નક્કી કર્યું હતું કે ભારત આપણી ભૂમિ હતી, છે અને રહેશે.
આ ઉપરાંત, તેમણે કહ્યું, “પાકિસ્તાનમાં જે લોકો વાહિયાત વાતો કરી રહ્યા છે તેમને હું કહેવા માંગુ છું કે તમે ઇસ્લામને જાણતા નથી. તમે એવા દેશમાં છો જ્યાં લોકો ગરીબીથી પરેશાન છે. તમારી લડાઈ અફઘાનિસ્તાન સાથે છે, તમારી લડાઈ ઈરાન સાથે છે, પાકિસ્તાન એક નિષ્ફળ રાષ્ટ્ર છે. યાદ રાખો કે આ શક્તિઓ ભારતને ક્યારેય શાંતિથી રહેવા દેશે નહીં. આજે આપણે એક થઈને પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ જેથી આતંકવાદનું આ ઝેર સમાપ્ત થાય.”