રાહુલ, સોનિયા સામેની તપાસથી હોબાળો શા માટે? નરેન્દ્ર મોદીએ પણ તપાસનો સામનો કર્યો હતો

Share this story
ગુજરાતના કોમી રમખાણો સંદર્ભે નરેન્દ્ર મોદીને ૬૦થી વધુ તપાસપંચો, સરકારી, બિનસરકારી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત તપાસ એજન્સીએ પણ કિલનચીટ આપી હતી ઉપરાંત સુપ્રીમે વધુ એક અરજી ફગાવી દઈને નરેન્દ્ર મોદીને વધુ એક વખત કિલનચીટ આપી
 
એક રાજ્યના મુખ્યમંત્રીને તપાસ એજન્સી સામે ઊભા રહેવું પડે એ નાની ઘટના નથી અને છતા નરેન્દ્ર મોદી આવી ઘટનાઓમાંથી પસાર  થયા હતા
 
રાહુલ અને સોનિયા ગાંધી સામે માત્ર કહેવાતી આર્થિક ગેરરીતિની શંકા છે છતાં ડર શા માટે?, જાહેર જીવનમા આવી ઘટનાઓ બનતી જ રહેવાની, અમેરિકા સહિત વિશ્વના નેતાઓ સામે તપાસ અને આક્ષેપ થતા રહ્યા છે
 
 
૨૬ માર્ચ ૨૦૧૦ના એ દિવસે ગુજરાતભરમાં સન્‍નાટો હતો, દેશના અન્ય રાજ્યોની નજર પણ ગુજરાત ઉપર હતી, પ્રચાર માધ્યમોમાં પણ નરેન્દ્ર મોદી છવાયેલા હતા. એક એક પળની ઘટનાથી વાકેફ થવા લોકો કાન સરવા કરીને બેઠા હતા. કારણ કે, ગુજરાતના કોમી રમખાણોની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ‘સીટ’ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂછપરછ કરી રહી હતી.
જે રીતે સમાચારો વહી રહ્યા હતા એ જોતા ‘સીટ’ નરેન્દ્ર મોદીને ચોક્કસ દોષિત ઠેરવશે એવું લાગતું હતું. ઘણાં લોકો તો ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હશે? તેની ગણતરીઓ મુકી રહ્યાં હતા. ‘સીટ’ના અધિકારીઓએ સતત બે દિવસ ગુજરાતના મુખ્યમંત્રીની આકરી પૂછપરછ કરી પરંતુ પરિણામ કંઈ જ મળ્યું નહીં. મોદી વિરોધી છાવણીમાં પક્ષના અને વિપક્ષનાં લોકો હાથ મસળીને ઊભા રહી ગયા.
મામલો ગુજરાતના કોમી રમખાણોનો હતો અને કોમી રમખાણોની ઘટનામાં કોઈ રાજ્યના મુખ્યમંત્રીને સરકારી તપાસ એજન્સીનો સામનો કરવો પડ્યો હોવાની કદાચ આ પહેલી ઘટના હતી. આ અગાઉ બિહારના મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ સામે ઘાસચારા કૌભાંડનો પુરાવા આધારિત કેસ હતો અને લાલુને કોર્ટના કઠેરામાં દોષિત ઠેરવવા ઉપરાંત સજા પણ કરવામાં આવી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ કોમી રમખાણ કરાવ્યાના કોઈ સજ્જડ પુરાવા નહોતા, છતાં તેમની સામે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ સરકારના સલાહકારો ખોટા હતા અથવા તો કોંગ્રેસ નેતાગીરીએ કોઈની સલાહ લીધી નહોતી. અન્યથા એક રાજ્યના મુખ્યમંત્રીને આરોપીના પીંજરામાં ઊભા કરવાની ભૂલ કરી ન હોત.
ગુજરાતમાં અનેક સ્થળોએ કોમી રમખાણો થયા હતા. આ રમખાણોમાં ખરેખર કેટલાં લોકો હોમાઈ ગયા હતા તેનો કદાચ આજે પણ સાચો અંદાજ નહીં હોય. કોમી રમખાણોની અનેક ઘટનાઓ પૈકીની અમદાવાદની એક ઘટનામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત ૬૩ લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. ઘટના અત્યંત હૃદયદ્રાવક હતી. લોકોને ઘરમાં કેદ કરીને સળગાવી દેવાયા હતા. આ ઘટના માનવતાના નામે કલંક હતી. કોઈ પણ ઘટનાની ન્યાયિક તપાસ થવી જ જોઈએ, પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને તપાસ કરવામાં આવે તો અપે‌‌િક્ષત પરિણામો મળતા નથી.
અમદાવાદના જુહાપુરાની ઘટનામાં એક નહીં ૬૩ લોકો બેમોત માર્યા ગયા હતા. પરંતુ આ ઘટનાના મૂળમાં ખરેખર કોણ જવાબદાર હતું તે હજુ સુધી સો ટકા પ્રમાણભૂત થયું નથી. ઘટનાની તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ‘સીટ’એ તપાસનો દોર શરૂ કર્યો અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બબ્બે દિવસ પૂછપરછ કરવામાં આવતાં જાત જાતની અટકળો શરૂ થઈ ગઈ હતી. આમ પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતમાં ભાજપની સરકાર હતી એટલે લોકોએ તર્કનો મારો ચલાવ્યો હતો. પરંતુ કોઈપણ લોકો અપે‌િક્ષત ઈચ્છા કે ધારણા સુધી પહોંચી શક્યા નહોતા.
અલબત દેશમાં અને વિદેશમાં નરેન્દ્ર મોદી માટે જાત જાતની અટકળો વહેતી થઈ હતી, પરંતુ લાંબી તપાસમાં તપાસ એજન્સી એક પણ પુરાવો કે આરોપ મુકી શકી નહોતી.
નરેન્દ્ર મોદીને અગાઉ વારંવાર કિલનચીટ મળી ચૂકી હોવા છતા સુપ્રીમકોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમકોર્ટે ઝાકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી અને કોર્ટે એવી ટીપ્પણી કરી હતી કે પાછલા ૧૬ વર્ષથી માત્ર આ વિષયને જીવતો રાખવા આવી અરજીઓ કરવામાં આવે છે ખરેખર તેનો હેતુ સ્પષ્ટ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે ૬૦થી વધુ તપાસપંચો, સરકારી અને બિનસરકારી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુંક્ત કરાયેલી સ્પેશ્યલ ‌ઇન્સ્વેટીંગેશન એજન્સી ‘સીટ’ની તપાસમાં પણ નરેન્દ્ર મોદીને કિલનચિટ આપવામાં આવી હતી.
સુપ્રીમકોર્ટે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોર્ટની પ્રક્રિયાનો દુરઉપયોગ કરનારાઓ તમામ કોર્ટના કઠેડામાં હોવા જોઇએ.
સુપ્રીમ કોર્ટનો આજનો ચુકાદો આયોજન પૂર્વક નહોતો પરંતુ ‘નેશનલ હેરલ્ડ’ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કરવામાં આવી રહેલી પુછપરછના સમયે જ આવતા કોંગ્રેસ અને મોદી વિરોધીઓ માટે લપડાક બરાબર ગણી શકાય.
એ વાત અલગ છે કે, ત્યાર પછીના વર્ષોમાં દિલ્હીમાં પણ રાજકીય સમીકરણો બદલાયા હતા, પરંતુ પાછલાં કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા રાહુલ અને સોનિયા ગાંધી સામે ‘નેશનલ હેરાલ્ડ’ નામના અખબારની મિલકતોનાં પ્રકરણમાં ચાલી રહેલી ઈડીની તપાસનું શું પરિણામ આવશે એ આજે કહેવું વહેલુ ગણાશે. કારણ કે, મામલો વર્ષો જુનો છે. વળી આખી ઘટનામાં કંઈ થયું હશે તો પણ આર્થિક ગેરરીતિ થઈ હશે. ફોજદારી ધારાનો ભંગ કરાયો હશે કે કેમ એ હવે પછીની તપાસનો દોર કહી શકે.
પરંતુ બંધ થઈ ગયેલા ‘નેશનલ હેરાલ્ડ’ના નામે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે તપાસનો દોર અને તપાસ એજન્સી ‘ઈડી’ સમક્ષ હાજર કરવાની ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય છે. ઘણાં લોકો આ ઘટના રાજકીય નજરથી મુલવી રહ્યાં છે, તો ઘણાં લોકો માટે ઈડીની ઈન્કવાયરી એક પ્રક્રિયાનો ભાગ છે. કારણ કે, આખી ઘટનામાં ખરેખર શું થયું હતું તેનાથી લોકો અજાણ છે.
ગુજરાતનાં રમખાણો અને ગુજરાતના જે તે સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂછપરછને આ ઘટના સાથે કોઈ નિસ્બત નથી પરંતુ જાહેર અને રાજકીય જીવનમાં સત્તા સ્થાને બેઠેલી વ્યક્તિની કોઈ સરકારી એજન્સી પૂછપરછ કરે ત્યારે સ્વભાવિક અપમાનનો ભાવ પેદા થાય.
હાલમાં કોંગ્રેસના નેતાઓ પણ આવી જ ભાવનામાંથી પસાર થતા હશે, પરંતુ સમયની સાથે સાથે ઘણું બધુ ભુલાઈ જતુ હોય છે. આ ઘટના પણ આવતીકાલે ભુલાઈ જશે, પરંતુ રાજકીય શતરંજમાં આવતીકાલે બીજો નવો દાવ રમવામા નહીં આવે એવું કોઈ જ કહી શકાય તેમ નથી.
આ પણ વાંચો –