Friday, Apr 25, 2025

સુરત ડિ‌િસ્ટ્રકટ ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં કનૈયાલાલ કોન્ટ્રાકટર પોતાના જ પગમાં કેમ કુહાડો મારવા નીકળ્યા?

12 Min Read

ભાઈ સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની દીકરીઓને સાથ આપવાને બદલે હેમંતભાઈના વિરોધીઓની સાથે હાથ મિલાવીને ચૂંટણી લડવાથી પોતાની જ આબરૂનું લીલામ થશે

લગભગ ૮૩ વર્ષની ઉંમરે પહોંચેલા કનૈયાલાલની કોઈક આર્થિક મુશ્કેલીઓ હોઇ શકે, પરંતુ તેથી પારિવા‌િરક અને નૈતિક મૂલ્યોને કઈરીતે બાજુ ઉપર મૂકી શકાય?

સમૃદ્ધિના શિખરો સર કરવામાં આખી જિંદગી નીકળી જાય પરંતુ પતન માટે થોડી ‘કુબુદ્ધિ’ પૂરતી છે. અનેક સલતનતો સાફ થઈ ગઈ, પતન એક એવો ઇતિહાસ છે કે છેલ્લે ખુશામતખોરો પણ કાંધ મારવા આવતા નથી

પિતાએ દાનમાં આપેલી જમીન ઉપર સાકાર કરાયેલ લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાનું સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરનું સપનું હતું. આ સપનાને ચરિતાર્થ કરવા પ્રેરણારૂપ બનવાને બદલે કનૈયાલાલ ઢળતી ઉંમરે પોતીકા પરિવાર સામે જ ચૂંટણી લડવા નીકળ્યા!

સુરતની પ્રતિ‌િષ્‍ઠત સંસ્થા સુરત ડિ‌િસ્ટ્રકટ ક્રિકેટ એસો‌િસએશનની ચૂંટણી પ્રતિષ્‍ઠાના જંગને બદલે પારિવા‌િરક જંગ બનીને સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની છે. સુરત સ્થિત લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમને આધુનિક અને સાધન-સુવિધાસજ્જ બનાવનાર સ્વ. હેમંતભાઇ કોન્ટ્રાક્ટરના નિધન બાદ કેટલાક તકસાધુ તત્ત્વો આજકાલ સ્ટેડિયમ ઉપર કબજો જમાવવા હાવી બની ગયા છે અને સ્ટેડિયમનો કારભાર હાથ લઈને પોતાની ખરડાયેલી બાજુને ઊજળી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની હયાતીમાં સ્ટેડિયમના પડછાયાથી પણ દૂર ભાગતા લોકોને હેમંતભાઈના નિધન બાદ સ્ટેડિયમના કારભારમાં કબજો જમાવવા માટેનો માર્ગ મોકળો દેખાઈ રહ્યો છે.

ખુદ હેમંત કોન્ટ્રાકટરે સ્ટેડિયમના વહીવટમાંથી તગેડી મૂકેલા લોકો ઓફિસ રેકોર્ડ સાથે ચેડા કરીને ફરી મેદાનમાં ઊભરી આવ્યા છે અને કોન્ટ્રાકટર પરિવારના જ વયોવૃદ્ધ અગ્રણીને મહોરું બનાવીને ચૂંટણીમાં જાણે પોતે જ સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોવાનું સ્થાપિત કરવાના દાવપેચ રમી રહ્યા છે. પરંતુ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનો પ્રત્યેક સભાસદ કોઠાકબાડાથી વાકેફ છે. એક વાત ચોક્કસ છે. ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની વિચારધારા અને ક્રિકેટની દુનિયામાં સુરતને સ્થાન અપાવનારની જીત નિશ્ચિત થશે.પિતાનાં અધુરાં કાર્યો અને અધૂરા સપનાને પૂરા કરવા સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરની બે દીકરીઓ ‘યેશા’ અને ‘અક્ષરા’ કમર કસીને મેદાનમાં આવી છે. આ બન્ને બહેનોએ હરીફ પક્ષના ટોળા સાથે બાથ ભીડવાની દાખવેલી હિંમતને ક્રિકેટપ્રેમી લોકો તરફથી સહાનુભૂતિ અને સપોર્ટ બન્ને મળી રહ્યા છે. વળી તેમની પેનલમાં એક એક સભ્ય ઊજળી પ્રતિભા ધરાવતા પરિવારો અને ઉદ્યોગસાહસિકોમાંથી આવે છે.

યેશા અને અક્ષરાએ પિતાના નામથી બનાવેલી હેમંત કોન્ટ્રાક્ટરની પેનલના ઉમેદવારો તરફ નજર કરવામાં આવે તો કોઈને પણ આખી પેનલને ‌િજતાડવાનું ચોક્કસ મન થઇ આવે.

ઉમેદવારોની ચર્ચા કરતાં પહેલાં લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. સુરતના પ્રતિષ્ઠિત કોન્ટ્રાકટર પરિવારે આ જમીન દાનમાં આપી હતી. આજે શહેરની વચ્ચોવચ્ચ ગણાતું ક્રિકેટ સ્ટેડિયમ એ સમયે સુરત શહેરની હદની બહાર ગણાતું હતું. ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે દિવસો સુધી ટી.વી. સામે ગોઠવાઈ જઈને ભ‌િજયા, ભુસા ખાતા-ખાતા ઉજાણી કરવામાં માનતા સુરતમાં ક્રિકેટના ખેલાડીઓ પેદા થયા છે. પરંતુ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં નામ રોશન કર્યું હોય એવો એક પણ ખેલાડી પાક્યો નથી. તેમ છતાં સુરતીઓનો રમતગમત પ્રત્યેનો પ્રેમ જરા પણ ઓછો નથી અને એટલે જ કોન્ટ્રાક્ટર પરિવારે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે ડુમસ જતા મુખ્યમાર્ગ ઉપર પીપલોદ ગામને અડીને ૧.૧૦ લાખ ચો.મીટર જગ્યા દાનમાં આપી હતી અને પિતા લાલભાઈ કોન્ટ્રાક્ટરના નામથી સ્ટેડિયમ સાકાર કરવામાં આવ્યું હતું.ક્રિકેટ સ્ટેડિયમથી સમાંતર સુરતના રમતગમત પ્રેમી સ્વ.નરેન્દ્ર ગાંધી, અજય ચોકસી જેવા ઉત્સાહી કોર્પોરેટરોના કારણે દિલ્હી પછી સુરતમાં એક અત્યાધુનિક ઇન્ડોરગેમ સ્ટેડિયમ સાકાર કરી શકાયું હતું, જેના કારણે આજે સુરતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇન્ડોરગેમ રમાડવા ઉપરાંત સ્ટેડિયમમાં અનેકવિ‌ધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ખેર,‌ ક્રિકેટના વધતા જતા ક્રેઝ વચ્ચે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમના મહત્ત્વમાં પણ વધારો થતો ગયો અને સ્ટેડિયમનો વહીવટ હાથમાં લેવા કેટલાક લોકો યેનકેન પ્રકારે ગોઠવાઈ ગયા હતા. હાલમાં સ્ટેડિયમના લગભગ ૫૩૦૦ જેટલા સભાસદો છે. આ પૈકીના મોટાભાગના શિ‌િક્ષત અને ખરેખર રમતપ્રેમી લોકો છે. રમતગમત એ શારીરિક કસરત અને આનંદપ્રમોદ માટેની એક પ્રવ‌ૃત્તિ છે. પરંતુ કેટલાક લોકોને આ પ્રવૃત્તિમાં કમાણી સાથે પ્રતિષ્‍ઠા દેખાવા માંડતા સ્ટેડિયમના વહિવટમાં ગોઠવાઈ જવાની ઘેલછા જાગી હતી અને ઘણા ગોઠવાઈ પણ ગયા પરંતુ જ્યાં સુધી બધું સમુસુતરુ ચાલતુ હતું ત્યાં સુધી વાંધો નહોતો, પરંતુ વહીવટમાં ગોબાચારીની ગંધ આવવા માંડતા વિવાદ શરૂ થયા હતા. સ્વ.હેમંત કોન્ટ્રાકટર કોઈપણ ભોગે સુરતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તખ્તે લઈ જવા માંગતા હતા અને એટલે જ તેમના કાર્યકાળમાં સુરતનું લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં આવ્યું હતું અને સુરતમાં મહિલા ક્રિકેટ મેચ, જાણીતી ટીમની નાઇટ ટુર્નામેન્ટ સહિતની અનેક મેચો સુરતમાં યોજાઈ ગઈ. સ્વ. હેમંત કોન્ટ્રાકટરનો ‘ગોલ’ ક્રમશઃ સાકાર થઈ રહ્યો હતો. તેમણે સ્ટેડિયમના વિકાસમાં અવરોધરૂપ બનતા કેટલાક લોકોને વહીવટમાંથી તગેડી પણ મૂક્યા હતા. ઉદાહરણ તરીકે ડૉ. નમેષ દેસાઇ અને મયંક દેસાઇને વહીવટમાંથી ટર્મિનેટ પણ કરી દીધા હતા.પરંતુ કમનસીબે હેમંત કોન્ટ્રાકટરના આકસ્મિક અવસાન બાદ સ્ટેડિયમના વહીવટી કામકાજમાં ગોબાચારી કરીને ટર્મિનેશન લેટર દબાવી દેવાયા હતા. હેમંત કોન્ટ્રાકટર હયાત નહીં હોવાથી વળતો પ્રત્યુત્તર આપવા નહીં આવે પરંતુ સ્ટેડિયમના દસ્તાવેજોમાં હેમંત કોન્ટ્રાકટરે લખેલા પત્રોના ઈન્વર્ડ નંબર આજે પણ હયાત હશે.ખરેખર તો ડૉ. નમેષ દેસાઇ અને મયંક દેસાઇએ સ્વ.હેમંત કોન્ટ્રાકટરની વિકાસની લડાઇ આગળ ધપાવી રહેલી દીકરીઓ એશા અને અક્ષરાને સાથ આપવાની જરૂર હતી. પરંતુ આશ્ચર્ય વચ્ચે આ બન્નેએ સ્વ.હેમંત કોન્ટ્રાકટરના કામને આગળ ધપાવી રહેલી દીકરીઓને સાથ આપવાને બદલે હરીફ પેનલમાં જોડાઇને સ્વ.હેમંત કોન્ટ્રાકટરની ઉજ્જવળ કામગીરીને ભૂંસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડૉ. નમેષ દેસાઇ પોતે મૈત્રી નામથી ક્રિકેટ એકડેમી ચલાવતા હોવાથી સ્વભાવિક છે કે તેમને ક્રિકેટ સ્ટેડિયમના કારભારમાં હસ્તક્ષેપ કરવાની અદમય ઇચ્છા હોય.

ગુજરાત ક્રિકેટ એકેડેમી તરફથી દર વર્ષે સ્કૂલ અને કોલેજ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે અને આ માટે લાખો રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવે છે, પરંતુ આજ પર્યન્ત એક પણ ટુર્નામેન્ટનું આયોજન કરાયું નથી.એવા પણ આક્ષેપ થઇ રહ્યા છે કે સુરત ક્રિકેટ લીગમાં ટીમના સ્પોન્સર પાસેથી છ લાખ રૂપિયા લેવામાં આવે છે, પરંતુ એક લાખનો ચેક અને પાંચ લાખ કેશમાં શા માટે? આ સવાલનો પણ ખુલાસો કરાતો નથી. લાલભાઇ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમ એક સેવાભાવી અને પારદર્શી સંસ્થા છે તો બ્લેક અને વ્હાઇટનો વહેવાર શા માટે? એવું કહેવાય છે કે રૂપિયા ૧૭ લાખના રોકડ વહેવાર કરવામાં આવ્યા હતા. અને આ વાતનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.

સ્ટેડિયમના અધ્યક્ષ એવા સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરે પોતે ઉચ્ચ શિ‌િક્ષત અને યુ.કે.થી MBA કર્યું હતું. તેઓ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી બાંધકામની સાથે હિસાબી કામકાજમાં પણ માહિર હતા અને એટલે જ તેમણે ગેરરીતિઓ પકડી ડૉ.નમેષ દેસાઇ અને મયંક દેસાઇને ટર્મિનેટ કરવાના પત્રો લખ્યા હતા.પરંતુ કરેલી ભૂલ માટે પ્રાયશ્ચિત કરવાને બદલે સ્વ. હેમંત કોન્ટ્રાકટરની દીકરીઓ સહિત આખી પેનલ સામે મેદાને પડેલા લોકોએ એવી વ્યક્તિનો સાથ લીધો છે કે જેના ખુદના ઠેકાણા નથી.સ્ટેડિયમ પેનલની નેતાગીરી લઇને ફરતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ખરેખર તો સ્વ.હેમંત કોન્ટ્રાકટરનું સપનુ સાકાર કરવા તેમની દીકરીઓની પડખે ઊભા રહેવાને બદલે પોતાના જ પરિવારની દીકરીઓને હરાવવા વિરોધીઓને સાથ આપીને પા‌રિવા‌િરક પાપ કરી રહ્યા છે કારણ કનૈયાલાલ કોન્ટ્રાકટર અને સ્વ. હેમંત કોન્ટ્રાકટર બન્‍ને એક જ પરિવારના ફરજંદ છે અને લાલભાઇ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમ તેમના જ પરિવારની દેન છે. વળી સ્વ.હેમંત કોન્ટ્રાકટરની ગેરહાજરીમાં પરિવારના મોભી તરીકેની ભૂમિકા ભજવવાને બદલે કનૈયાલાલ કોન્ટ્રાક્ટર પોતાના પરિવારે જ ઊભી કરેલી સંસ્થા પોતીકા પરિવારના કબજામાં રાખવાને બદલે સામે ચાલીને બહાર લોકોના શરણે ધરી રહ્યા છે. કદાચ આમ કરવા પાછળ કનૈયાલાલ કોન્ટ્રાકટરની કોઇક મજબૂરી હશે, પરંતુ ‌િશ‌િક્ષત અને વયોવૃદ્ધ અનુભવીના નાતે કનૈયાલાલ કોન્ટ્રાકટરનું પરિવારના વિવાદને શેરીઓમાં લઈ જવાનું કૃત્ય ચોક્કસ વખોડવાને પાત્ર ગણી શકાય.જાણવા મળ્યા મુજબ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર પરિવાર હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે કોર્ટ કેસોનો પણ સામનો કરી રહ્યું છે. કેટલાક કેસમાં સજા પણ કરવામાં આવી છે. આવા સંજોગોમાં પરિવારની ઇજ્જત બંધ મુઠ્ઠીમાં રાખીને કોન્ટ્રાકટર પરિવારના વરિષ્ઠ વડીલ હોવાના નાતે પણ સ્ટેડિયમની ચૂંટણીના નામે કોન્ટ્રાકટર પરિવારની આબરૂ સામે ઉછ‍ળી રહેલા કીચડને રોકવાની તેમની નૈતિક ફરજ છે.

બાકી કોઇપણ ચૂંટણી હોય એટલે સ્વાર્થી તત્ત્વો પડખે આવીને બેસી જવાના જ. લાલભાઇ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમ આવનારા દિવસોમાં એક વટવૃક્ષ જેવી સંસ્થા બનવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ જ્યારે પોતીકા લોકો ઘોર ખોદવા બેસે છે ત્યારે ભલભલી ‘સલ્તનતો’ ના નામ નિશાન મટી ગયા છે. કોન્ટ્રાકટર ફેમિલીની એક સમયે સુરતમાં આકાશે આંબતી આબરૂ હતી પરંતુ આજે એ આબરૂમાં જરૂર ઓટ આવી છે. આ વાત બીજું કોઇ નહી, પરંતુ કનૈયાલાલ ચોક્કસ સમજી શકતા હશે કારણ જીવનના ૮ દાયકા પસાર કરીને ૮૩મા વર્ષમાં પસાર થઇ રહેલા કનૈયાલાલને સમાજ, પરિવારની ‘શાખ’ના બોધપાઠ જણાવવા પડે એવું જરૂરી નથી.કનૈયાલાલે એ વાત સમજી લેવાની જરૂર છે કે વૃક્ષને પાણી પાનારા કરતા ફળ ખાનારા લાલચુઓની સંખ્યા વધુ હોય છે. લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમને વટવૃક્ષ બનાવવા માટે જાત ઘસીને પરસેવો પાડનારાઓને વિસારે પાડી દેવામાં આવશે તો કદાચ સમાજ માફ કરી દેશે, પરંતુ કુદરત અને અંતરાત્મા માફ નહીં કરે.

ખેર, ચૂંટણી છે એટલે વ્યક્તિગત કીચડ ઊડવાનો જ, પરંતુ આ કીચડના ડાઘ ધોવાતા વર્ષો નીકળી જતા હોય છે અને વેરની આગ કાયમ સળગતી રહે છે. લાલભાઇ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીમાં કમનસીબે એક પરિવારના લોકો સામસામે તલવારો કાઢીને ઊભા છે ત્યારે ત્રાહિત વ્યક્તિઓ ચોક્કસ ગેરલાભ ઉઠાવી જશે.કનૈયાલાલ કોન્ટ્રાકટરે એ પણ મથંન કરવાની જરૂર છે કે તેમના પરિવાર અને પિતાના નામથી સાકાર કરાયેલા સ્ટેડિયમ દ્વારા પાછલા ૧૩ વર્ષમાં સુરતનો એક પણ ખેલાડીનું સર્જન કરી શકાયુ નથી. એમ્પાયર અને સિલેકટરની નિયુ‌િક્તમાં પણ મોટાપાયે ગોબાચારી કરાતી હોવાના અવારનવાર આક્ષેપો થઇ રહ્યા છે. હાર્દિક પંડ્યા જેવા સુરતના ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા વાયા વડોદરાનો માર્ગ પસંદ કરવાે પડ્યો હતો.કનૈયાલાલ કોન્ટ્રાકટરની પેનલમાં હિતુ ભરથાણા હોવાનું જાણવા મળ્યું છે. હિતુ ભરથાણાએ મીડિયા પેવેલિયન બનાવવા માટે ૨.૫૦ કરોડના દાનની જાહેરાત કરી હતી. પરંતુ કેટલા ચૂકવ્યા હતા તેની કોઇ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા ચહેરાઓ લાલભાઇ સ્ટેડિયમનો વિકાસ કરવા સક્ષમ

યેશા અને અક્ષરા કોન્ટ્રાકટરની પેનલના ઉમેદવારો ઉપર નજર કરવામાં આવે તો એક-એક કરતા ચઢિયાતા ઉમેદવારો છે. એકની પણ સામે આંગળી ચીંધી શકાય તેમ નથી. જીવરાજ ચા વાળા પરિવારના પારસ શાહ, યુવા ઉદ્યોગ અગ્રણી મયૂર ગોળવાળા, જેનીથ મિલવાળા, પરેશ જરીવાળા, સ્વ.કોર્પોરેટર નરેન્દ્ર ગાંધીના પુત્ર મયંક ગાંધી, સી.એ. નિરંજન દેસાઇ, ડી.પી.એસ સ્કૂલના રા‌િશ ઝુનઝુનવાલા, કોળી સમાજના યુવા અગ્રણી અને ક્રિકેટ એકેડમી ચલાવતા કેતન પટેલ, પંજાબી સમાજના મૂકેશ ખુરાના, મોઢવણિક યુવા આગેવાન સૌરભ દારૂવાળા, જૈન અગ્રણી રૂષિ મહેતા, ઇન્વેસ્ટર ગ્રુપના દેવેન્દ્ર ગરુડી, પ્રતીક પટેલ, વિનય અગ્રવાલ, હીરોઇઝ રૂસ્તમ ગાંધી, યશેષ સ્વામી, વિપુલ દેસાઇ, સંકેત દેસાઇ જેવા ઉમેદવારો હોવાથી સરવાળે સ્વ.હેમંત કોન્ટ્રાકટરનું સપનું સાકાર થવાની આશા બંધાઇ છે.આ ઉપરાંત ટેક્સ કન્સલટન્ટ રોહન દેસાઇ, જીગ્નેશ કોન્ટ્રાકટર જેવા અનેક લોકો સ્વ.હેમંત કોન્ટ્રાકટરની દિકરીઓ યેશા અને અક્ષરાને સાથ આપી રહ્યા છે.આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પણ યેશા અને અક્ષરાને આશીર્વાદ આપ્યા હતા.

Share This Article