સુરત પાલિકા વિસ્તારમાં હાલ દબાણનો મુદ્દો હોટ ટોપીક બન્યો છે. આજે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પણ રસ્તા પરના દબાણ મુદ્દે પસ્તાળ પડી હતી. મેયર શહેરના અન્ય વિસ્તારના દબાણની ફરિયાદ સાંભળી દબાણ દુર કરાવવા પહોંચે છે પરંતુ મેયર જ્યાંથી ચૂંટાયા છે તેમના જ વોર્ડમાં પારાવાર દબાણ હોવાની ફરિયાદ સ્થાયી સમિતિમાં થઈ છે. આ ઉપરાંત પાલ-પાલનપોર વિસ્તારમાં ગેરકાયદે દબાણની ફરિયાદ થઈ હતી.
સુરતના વરાછા રોડના ધારાસભ્યએ તેમના વિસ્તારમાં ગેરકાયદે દબાણનો પત્ર તંત્રને લખતા મ્યુનિ. તંત્ર અને પોલીસે સાથે રહીને આ ગેરકાયદે દબાણ તાત્કાલિક હટાવ્યા છે. આટલું જ નહી પરંતુ મેયર દક્ષેશ માવાણીએ પાલિકાના અધિકારીઓ અને પોલીસ કમિશ્નર સાથે સ્થળ મુલાકાત કરી દબાણ દુર કરવા સુચના આપી હતી. જોકે, આજે મેયરના વોર્ડમાંથી ચુંટાયેલા અને સ્થાયી સમિતિના સભ્ય એવા ઘનશ્યામ સવાણીએ સ્થાયી સમિતિમાં તેમના વિસ્તારમાં દબાણ મુદ્દે આક્રમક રજુઆત કરી હતી.
સવાણીએ કહ્યું હતું કે, કતારગામના પારસ ચોકી, બાળાશ્રમ રોડ અને લલીતા ચોકડી અને ગાયત્રી ડેપો સહિતના વિસ્તારમાં પારાવાર દબાણ છે. લારી-ગલ્લા અને પાથરણાવાળાના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા સાથે અનેક મુશ્કેલીઓ વધી રહી છે તેથી આ દબાણની સમસ્યા કાયમી ધોરણે દુર થાય તે માટે કામગીરી કરવા જણાવ્યું છે.
તો બીજી તરફ પાલિકાના રાંદેર ઝોનમાં પાલ-પાલનપોર વિસ્તારમાં તેમાં પણ ખાસ કરીને પાલનપોર કેનાલથી એલ.પી.સવાણી રોડ પર લારીના દબાણનો ભારે ત્રાસ છે. આ વિસ્તારમાં પહેલા ઓછી લારીઓ હતી પરંતુ દબાણ દુર કરવાની ફરિયાદ બાદ લારીઓનો જમેલો થઈ ગયો છે. દરેક ચાર રસ્તાના કોર્નર પર લારીઓ ઉભી રહી છે અને તેમાં ખરીદી માટે આવતા વાહન ચાલકો પણ રસ્તા પર જ ઉભા રહે છે તેના કારણે ટ્રાફિકની ભારે ન્યુસન્સ થઈ રહ્યું છે. જો આ દબાણની સમસ્યા કાયમી ધોરણે દુર ન થાય તો અકસ્માતમાં કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.