Friday, Dec 26, 2025

વૈભવ સૂર્યવંશીને મળ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ, રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત

2 Min Read

ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી દરેક પસાર થતા દિવસ સાથે નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. માત્ર 14 વર્ષની ઉંમરમાં જ વૈભવ સૂર્યવંશી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી ચૂક્યો છે અને અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. ક્રિકેટ પીચ પર તેની નોંધપાત્ર સફળતા માટે જ તેને ભારત સરકાર તરફથી સન્માનિત કરવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશીને દેશના સૌથી મોટા બાળ પુરસ્કાર, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ એક ખાસ સમારોહમાં બિહારના આ આશાસ્પદ બેટ્સમેનને વ્યક્તિગત રીતે આ પુરસ્કાર અર્પણ કર્યો હતો.

શુક્રવાર, 26 ડિસેમ્બરના રોજ જ્યારે બિહારની ટીમ વિજય હજારે ટ્રોફીમાં તેની બીજી મેચ માટે મેદાન પર હતી, ત્યારે ટીમનો સુપરસ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં હાજર હતો. પ્રસંગ હતો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના સન્માનનો. દર વર્ષની જેમ, આ વર્ષે પણ દેશભરના ઘણા યુવાનો અને બાળકોને તેમની સિદ્ધિઓ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, કેટલાકને તેમની બહાદુરી માટે, તો કેટલાકને રમતગમત, સંગીત અથવા વિજ્ઞાનમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

બિહારના સમસ્તીપુરના રહેવાસી વૈભવને ક્રિકેટની દુનિયામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ મૂર્મુએ વૈભવને તેની સિદ્ધિઓ માટે એવોર્ડ અર્પણ કર્યો હતો, જેમાં IPLમાં સૌથી નાની ઉંમરનો ખેલાડી અને સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બનવાનો સમાવેશ થાય છે. એવોર્ડ માટે વૈભવનું નામ બોલાવાતાની સાથે જ સમગ્ર વિજ્ઞાન ભવન તાળીઓના ગડગડાટ ગુંજી ઉઠ્યો. વૈભવ નારંગી બ્લેઝર અને સફેદ કુર્તા-પાયજામો પહેરીને પહોંચ્યો હતો.

પુરસ્કાર મેળવવો એ ફક્ત તેના માટે જ નહીં, પરંતુ તેના પરિવાર માટે પણ ખૂબ ગર્વની ક્ષણ હતી, અને તેના ભાઈએ આ ક્ષણને બધા સાથે શેર કરી. વૈભવના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વૈભવને એવોર્ડ મેળવતાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે, આ અમારા માટે ગર્વની ક્ષણ છે. આજે આપણા દેશના રાષ્ટ્રપતિ દ્વારા વૈભવને બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. આપણા રાષ્ટ્રપતિએ વૈભવની પ્રશંસા પણ કરી.’

Share This Article