ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારના રોજ સીરિયા પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ ૯ લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો.
ઇઝરાઇલ-હમાસ યુદ્ધને અમેરિકા ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે, બુધવારે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને બે અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે અમેરિકાએ સીરિયામાં કોઈ સ્થળને નિશાન બનાવ્યું હોય. આ હુમલામાં ૯ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
યુએસ આર્મીએ સીરિયામાં બે હથિયારો અને સામાનના વેરહાઉસ પર હુમલો કર્યો હતો, જેનો ઉપયોગ IRGC અને સંલગ્ન જૂથો દ્વારા કરવામાં આવતો હોવાનો આરોપ હતો. જોકે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઈરાન સમર્થિત જૂથ દ્વારા ૧૭ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦ એવા હુમલા કરવામાં આવ્યા છે જેમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકા ઈરાન અને તેના સાથી દેશોને ઇઝરાઇલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના કારણે તે ઈરાની સમર્થિત લક્ષ્યો પર હુમલો કરી તેનું નિયંત્રણ કરી રહ્યું છે.
હવે જ્યારથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકન સૈનિકો પર હુમલા વધી ગયા છે. જણાવી દઈએ કે ૭ ઓક્ટોબરના રોજ આતંકી સંગઠન હમાસે ગાઝાથી એક સાથે ૫ હજાર રોકેટ છોડીને ઈઝરાયેલમાં તબાહી મચાવી હતી. આ હુમલાઓમાં ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યારપછી ઈઝરાયલની સેના પણ ગાઝા પટ્ટીમાં હમાસને જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ગાઝાના ૧૦,૫૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. આ માહિતી હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.
જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટ જૂથને ફરી વધતા રોકવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ ૨૫૦૦ અમેરિકન સૈનિકો ઈરાકમાં અને લગભગ ૯૦૦ અમેરિકન સૈનિકો સીરિયામાં તૈનાત છે.
આ પણ વાંચો :-