નોઈડામાં ચાલી રહેલા કામદારોના વિરોધ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્મચારીઓ માટે ઓવરટાઇમનો પગાર બમણો કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ પગાર તેમજ બોનસ સમયસર સીધા બેંક ખાતામાં જમા કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે. ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે તમામ ઔદ્યોગિક વિકાસ સત્તાવાળાઓને આગામી 24 કલાકમાં ઉદ્યોગ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરીને કામદારોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપી હતી.
સરકારી નિવેદન મુજબ, ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં મુખ્યમંત્રીના નિર્દેશો હેઠળ ઔદ્યોગિક એકમો માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેથી આ જિલ્લો શ્રમ સુધારાના ક્ષેત્રમાં એક મોડેલ બની શકે. જિલ્લા મેજિસ્ટ્રેટે ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કામદારોના હકોની સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી હતી.
નવી માર્ગદર્શિકા મુજબ, ઓવરટાઇમ માટે કર્મચારીઓને નિયમિત વેતનના બમણા દરે ચૂકવણી કરવી ફરજિયાત રહેશે અને તેમાં કોઈ કપાત માન્ય નહીં હોય. ઉપરાંત, તમામ ઔદ્યોગિક સંસ્થાઓએ કામદારોને સાપ્તાહિક રજા આપવી જરૂરી રહેશે. જો કર્મચારીઓને રવિવારે કામ કરાવાશે, તો તેમને બમણું વેતન ચૂકવવું પડશે.
વેતન વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ઉદ્યોગોને દર મહીનાની 10મી તારીખ સુધીમાં કામદારોને સંપૂર્ણ પગાર ચૂકવવાનો અને પગાર સ્લિપ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ, 30 નવેમ્બર સુધીમાં કામદારોના બેંક ખાતામાં સીધો બોનસ જમા કરાવવો ફરજિયાત બનાવાયો છે.
મહિલા સુરક્ષા મુદ્દે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ ફેક્ટરીઓમાં મહિલાઓની આગેવાની હેઠળ આંતરિક ફરિયાદ સમિતિ બનાવવી પડશે અને ફરિયાદ પેટી મૂકવી પડશે, જેથી કર્મચારીઓ નિર્ભયપણે પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે.