ભારતના દિલ્હી-એનસીઆર સહિત ઘણા શહેરોમાં આજે બપોરે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) સેવાઓ અચાનક બંધ થઈ જતાં લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. આ સમય દરમિયાન ઘણા લોકો UPI દ્વારા ચુકવણી કરી શક્યા નહોતા. ડાઉનડિટેક્ટર નામની એક વેબસાઇટે આ આઉટેજને ટ્રેક ક્યો હતો અને પછી તેના વિશે જાણકારી આપી હતી.
ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ની સેવાખો ખોરવાતા લાખો યુઝર્સને UPI એપ્સથી પેમેન્ટ કરવામાં મુશ્કેલી થઈ હતી. શનિવારે બપોરે પેમેન્ટ ફેલની ફરિયાદોમાં તીવ્ર વધારો થયો હતો. 12:30 વાગ્યા પછી 23,000થી વધુ ફરિયાદો આવી હતી. માહિતી અનુસાર યુપીઆઈ સિસ્ટમ ઠપ થવાને કારણે Google Pay, Paytm અને વિવિધ બેંકિંગ એપ્લિકેશનો સહિત મુખ્ય પેમેન્ટ પ્લેટફોર્મ્સની સેવાઓ ખોરવાતા યુઝર્સ તેમના ટ્રાન્ઝેક્શન્સ પૂર્ણ કરી શક્યા નહીં.
આ દરમિયાન યુપીઆઈ ક્યૂઆર કોડ સ્કેન કર્યા બાદ પેમેન્ટની પ્રોસેસિંગનો મેસેજ આવતો હતો પણ 5 મિનિટ બાદ પણ પેમેન્ટ કમ્પલીટ થતું નહોતું. જોકે હજુ સુધી આ આઉટેજની સમસ્યા સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેમને યુપીઆઈથી પેમેન્ટ કરવાની ટેવ છે તેઓ સામે ફસાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ચૂકવણીમાં તકલીફ વર્તાઈ રહી છે. લાખો લોકોને આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.