ભારતનાં આપણાં શૌર્ય સંપન્ન ઇતિહાસ અને આપણી પૌરાણિક વૈદિક સંસ્કૃતિ વિશેના ભ્રામક ઈતિહાસ લેખનના કારણે આપણે આપણાં ગૌરવપૂર્ણ ઇતિહાસ અને વૈદક સંસ્કૃતિથી દૂર થતાં ગયા. પરિણામ સ્વરૂપ આપણે આપણી મહાનતા અને શૌર્ય શક્તિને ભૂલી ગયા, જેના કારણે આપણે વિદેશી આક્રાંતાઓ સામે પરાશ્રિત થયા અને તેમની ગુલામીને પોતાની ધન્યતા માનવા લાગ્યા. ઇ.સ. 1947 બાદ આપણે તેઓની રાજકીય ગુલામીથી તો સ્વાધીન થઈ ગયા, પરંતુ હજુ આપણે સાંસ્કૃતિક, વૈચારિક અને માનસિક ગુલામીથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી શક્યા નથી. જ્યાં સુધી આપણે સાંસ્કૃતિક, વૈચારિક અને માનસિક ગુલામ છીએ ત્યાં સુધી આપણી સ્વતંત્રતા અધૂરી છે.
સાંસ્ક્રુતિક ગુલામીનું એક દ્રષ્ટાંત જોઈએ તો, આપણાં પરિવારમાં આવતા સારા-નરસા પ્રસંગો દરમ્યાન આપણે આપણી ભારતીય દિનદર્શિકા મુજબ તિથીને આધારે શુભ મહુર્ત જોઈએને પ્રસંગ માનવીએ છીએ, પરંતુ તે જ પ્રસંગની વર્ષગાંઠને આપણે અંગ્રેજી કેલેન્ડરની તારીખ અનુસાર માનવીએ છીએ. ત્યારે સુરત શહેરમાં રહેતા હિરેન ગજેરા તથા તેમના પરિવાર દ્વારા આપણી ભારતીય દિનદર્શિકાને અનુસરીને ગુજરાતી તિથી મુજબ તેમની દીકરી ‘જાનકી’ના અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ.
ભારતીય તિથી મુજબ દીકરીના જન્મદિવસને મનવતાની સાથે-સાથે આ દિવસે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને આપણાં ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે હકારાત્મક લાગણી બંધાય થાય તથા બાળકોમાં વૈચારિક શક્તિની વૃદ્ધિ થાય, તેવા ઉદ્દેશ્ય સાથે પ્રેરણાત્મક બોધકથાના પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલ. તેમજ આપણાં મહાપુરુષોના જીવન દર્શન માટે તેમના જીવનનો નિત્ય એક પ્રસંગ શાળામાં થતી સામૂહિક પ્રાર્થનામાં કહેવામા આવે, આ ઉપરાંત બાળકોને પ્રકૃતિ પ્રત્યેની લાગણી બંધાય તે માટે ક્લાસમાં નિત્ય એક પ્રકૃતિ અંગેના કવિતા પુસ્તકમાંથી એક કવિતા ગવડાવવામાં આવશે તેમ શાળાના આચાર્યશ્રીએ બાહેંધરી આપેલ.
એક અનોખી પહેલ કરતાં શહેરનાં એક સામાન્ય વ્યક્તિના પરિવારે આપણી સાંસ્કૃતિક ગુલામીથી મુક્તિ મેળવવા માટેનો પ્રયાસ કર્યો છે ત્યારે આવી જ રીતે દરેક ભરતવાસીએ પોતાના પરિવારમાં આવતા પ્રસંગો તથા તેની વર્ષગાંઠને આપણી દિનદર્શિકા મુજબ મનાવવી જોઈએ. દરેક ભારતીયના દૈનિક આચરણમાં પૌરાણિક અને વૈદિક ભારતીય પરંપરાનું પાલન કરવાના આવા નાના-નાના પગલાં જ આપણને આપણી સ્વતંત્રતાની નજીક લઈ જશે.