વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. ત્યારે આજે (14 ફેબ્રુઆરી) તેમણે વૉશિંગ્ટન ડીસી ખાતે વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને ગ્લોબલ લીડર વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સાથે ડિનર પણ કરશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારત અને અમેરિકાની ભાગીદારીથી માનવતાને લાભ થશે. ટ્રમ્પ અમને અમેરિકા ગ્રેટ અગેઈનની યાદ અપાવે છે, એ જ રીતે 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવો 1.4 અરબ ભારતીયોની આશા અને સંકલ્પ છે. અમારા મળવાનો મતલબ એક ઓર એક 11 છે. જે માનવતા માટે મળીને કામ કરશે.
‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે ભારત અને અમેરિકાએ 2023 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે, બંન્ને દેશોની ટીમે ઝડપથી એક આંતરિક લાભકારી વ્યાપાર સમજુતીને અંતિમ સ્વરૂપ આપશે. આ દરમિયાન બંન્ને નેતાઓએ ગળે મળીને એક બીજાનું અભિવાદન કર્યું.
ટેરિફ એ એક દેશ દ્વારા બીજા દેશમાંથી આયાત કરાયેલા માલ પર લાદવામાં આવતો ટેક્સ છે. જ્યારે રેસિપ્રોકલ ટેરિફનો અર્થ એ છે કે, કોઈ દેશ અમેરિકન માલ-સામાન પર ગમે તેટલો ટેરિફ લાદે, અમેરિકા પણ તે દેશના માલ પર એટલો જ ટેરિફ લાદશે. ચૂંટણી પ્રચાર દરમિયાન, ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફનો ઉલ્લેખ કર્યો હતો. ‘ટિટ ફોર ટેટ, એક ટેરિફ સામે બીજો ટેરિફ, એટલી જ એમાઉન્ટ. ઉદાહરણ તરીકે, જો કોઈ દેશ અમેરિકન ઉત્પાદનો પર 10 ટકા આયાત ડ્યુટી લાદે છે, તો અમેરિકા પણ તે દેશમાંથી આવતા માલ પર 10 ટકા ટેરિફ લાદશે.
વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ટેરિફ વિશે કહ્યું હતું કે , ‘પરંપરાગત રીતે અમેરિકા પર ટેરિફ લાદનારા દેશોની યાદીમાં ભારત ટોચ પર છે. કેટલાક નાના દેશો એવા છે જે ખરેખર ઊંચા ટેરિફ વસૂલ કરે છે પરંતુ ભારત ભારે ટેરિફ વસૂલ કરે છે. હાર્લિ ડેવિડસનનું ઉદાહરણ આપતા ટ્રમ્પે કહ્યું, ‘ભારતમાં કર અને ટેરિફ એટલા ઊંચા હતા કે હાર્લિ ડેવિડસન તેની બાઈક પણ વેચી ન શકી.’ તેનાથી બચવા માટે, કંપનીએ ભારતમાં એક ફેક્ટરી સ્થાપવી પડી. ભારતના કયા ઉદ્યોગોને અસર થશે
પીએમ મોદી અને ઈલોન મસ્ક વચ્ચેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું, ‘મને લાગે છે કે મસ્ક ભારતમાં વેપાર કરવા માંગે છે, પરંતુ ભારતમાં વેપાર કરવો ખૂબ મુશ્કેલ છે કારણ કે ત્યાં ટેરિફ ખૂબ ઊંચા છે.’ ટ્રમ્પે સંકેત આપ્યો કે ઈલોન મસ્ક ભારતમાં તેમના વ્યાપારિક હિતોને આગળ વધારવા માટે પીએમ મોદીને મળ્યા હશે. ટ્રમ્પના પારસ્પરિક ટેરિફની અસર ભારત પર પણ જોવા મળશે. ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે આનો સામનો કરવો ખૂબ જ પડકારજનક રહેશે. ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં ટેરિફ દર ખૂબ ઊંચા છે અને તેથી તે પારસ્પરિક ટેરિફ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અમેરિકાની નવી કર નીતિ ભારતના ઓટોમોબાઈલ, કાપડ અને અન્ય ઉદ્યોગોને અસર કરી શકે છે. જો ભારત ટેરિફ દર ઘટાડશે, તો તેની સીધી અસર તેની આવક પર પડશે, જે ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ હશે.