સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડી રહ્યો છે. ટિકિટ વહેંચણીને લઈને પક્ષની અંદર અસંતોષ વધતા, વોર્ડ નંબર-2ના સહ કન્વીનર અશોક બલરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી
મળતી માહિતી મુજબ, અશોક બલરે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીને રાજીનામું સોંપ્યું છે. તેમણે પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી છે. બલરે આરોપ લગાવ્યો છે કે પક્ષ પાયાના કાર્યકરોને અવગણે છે અને ટિકિટ વહેંચણીમાં યોગ્ય માપદંડો અપનાવવામાં આવતા નથી.
કાર્યકરોમાં અસંતોષ ફેલાયો
તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં વિવાદાસ્પદ છબી ધરાવતા ઉમેદવારોને પસંદગી આપવામાં આવી રહી છે, જેના કારણે લાંબા સમયથી કામ કરતા કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. આ ઘટનાએ પાર્ટીમાં આંતરિક ગૂંચવણને વધુ તેજ કરી છે.
ચૂંટણી નજીક આવતા આ પ્રકારના વિવાદો આપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને કાર્યકરોમાં ઉદ્ભવતો અસંતોષ પાર્ટીના પ્રદર્શન પર અસર કરી શકે છે. હવે પાર્ટી નેતૃત્વ આ મુદ્દાને કેવી રીતે હેન્ડલ કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.