સુરત શહેરમાં ગરમીમાં વધારો થવા સાથે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર એક બાળક સહીત ત્રણ લોકોના રોગચાળાથી મોત નિપજયા છે. શહેરમાં વધતા રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. ઓપીડીમાં દર્દીઓની સંખ્યા અને દર્દીઓના મોતના કેસ વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે.
સુરત શહેરમાં અઠવા અને ભેસ્તાન વિસ્તારમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. અઠવા અને ભેસ્તાનમાં બે વૃદ્ધઓ રોગચાળામાં જીવ ગુમાવ્યો છે. જયારે ડિંડોલીમાં નવા ગામનું બાળક ઝાડા ઉલ્ટીમાં સપડાયું હતું. ઝાડા ઉલટીના કારણે બાળકની સ્થિતિ વધુ ગંભીર થતા માતાપિતા તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તબિયત લથડતા મોત નીપજ્યું હતું. સુરતમાં છેલ્લા 24 કલાકની અંદર ત્રણ વર્ષના બાળક સહિત બે વૃદ્ધોના મોત થયા છે.
બેવડી ઋતુની બાળકોને અને વૃદ્ધોને સૌથી વધુ અસર દેખાઈ રહી છે. બેવડી ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. સુરતમાં બે દિવસ અગાઉ જ એક બાળકીનું તાવ અને ઝાડા ઉલ્ટીના કારણે મોત નિપજયું હતું. ત્યારે રોગચારાએ માથું ઉચકાતા તંત્ર દોડતું થયું છે.