Friday, Oct 24, 2025

હરદા દુર્ઘટનામાં ફટાકડા ફેક્ટરીના માલિક સહિત ત્રણની ધરપકડ

3 Min Read

મધ્યપ્રદેશના હરદા જિલ્લાના મુખ્ય મથક ખાતે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાના કારણે અહીંના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીક ખાનનો સમાવેશ થાય છે. જેમાં રાજેશ અગ્રવાલની રાજગઢ જિલ્લાના સારંગપુરથી ધરપકડ કરવામાં આવી છે. તે કારમાં દિલ્હી ભાગી જવાની ફિરાકમાં હતો. હરદા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં ૧૧ લોકોના મોત થયા છે અને ૧૭૫થી વધુ લોકો ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું હતું કે ફેક્ટરી ઓપરેટર રાજેશ અગ્રવાલ ઉપરાંત સોમેશ અગ્રવાલ અને રફીક નામના આરોપીની મોડીરાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪, ૩૦૮ અને ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત વિસ્ફોટક ધારા હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આગ એટલી ભીષણ હતી કે મોડી રાત સુધી ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

મધ્ય પ્રદેશના બૈરાગઢ ગામમાં ચાલતી ગેરકાયદે હરદા ફટાકડા બનાવતી ફેકટરીમાં મંગળવારે પ્રંચડ વિસ્ફોટ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી જેમાં અત્યાર સુધીમાં ૧૧નાં મોત થયાં છે, જ્યારે ૧૭૫થી વધુ ગંભીર રીતે દાજી ગયા છે તે પૈકી કેટલાકને તો ભારે ઇજા પહોંચી  છે. જ્યારે આગ સાથે થયેલાં પ્રચંડ ધડાકાઓને લીધે આજુબાજુનાં ૬૦ ઘરો ધ્વસ્ત થઈ ગયાં હતા. આગ ભભૂકી ઉઠતાં અને લાંબા સમય સુધી ધડાકાઓ ચાલુ રહેતાં સત્તાવાળાઓએ સાવચેતીનાં પગલાં તરીકે આસપાસનાં ૧૦૦ મકાનો ખાલી કરાવ્યાં હતા. આ આગને નજરોનજર જોનારાઓએ જણાવ્યા પ્રમાણે આગને લીધે ઊઠેલા ધુમાડાથી લગભગ આખું ગામ ઢંકાઈ ગયું હતું.

હરદામાં ગેરકાયદે ફટાકડાના કારખાનાના સંચાલક રાજેશ અગ્રવાલ અને તેના પુત્રની સારંગપુરમાં વેન્યુ કારમાં ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માત બાદ આરોપી તરત જ ફરાર થઈ ગયો હતો. રાજેશ અગ્રવાલ ઉજ્જૈનથી દિલ્હી જવા નીકળ્યા હતો તેમજ સોમેશ અગ્રવાલ પણ મધ્યપ્રદેશ છોડીને દિલ્હી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવ ૭ ફેબ્રુઆરીના રોજ દિવસ દરમિયાન હરદાની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવશે. છ ફેબ્રુઆરીના રોજ મુખ્ય પ્રધાન ભોપાલની હમીદિયા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં આ અકસ્માતમાં ઘાયલ લોકોને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ઘાયલોને મળ્યા અને તેમના હાલચાલ પૂછ્યા હતા તેમજ તેમને સારી સારવાર મળી રહે તેની સૂચના આપી હતી.

આ પણ વાંચો :-

 

Share This Article