SDMએ રાજ્યપાલના નામે સમન્સ જારી કર્યું, આનંદીબેનને હાજર થવા આદેશ આપતા મચ્યો હડકંપ

Share this story

ઉત્તર પ્રદેશના બદાયુમાં સદર તહસીલના SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલના નામે સમન્સ જારી કરી હાજર થવાનો હુકમ કરતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગેની કોપી વાયરલ થતા દેકારો બોલ્યા બાદ રાજ્યપાલ આનંદી બેન પટેલે પણ તેમના સચિવ મારફતે ડીએમને પત્ર પાઠવી જાણ કરી છે. જે કાયદેસર નિયમોનું ઉલ્લંઘન છે. જેથી નોટિસ ઈશ્યુ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

બંધારણીય હોદ્દો ધરાવનાર વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન્સ કે નોટિસ જારી કરી શકાતી નથી અને બંધારણમાં આ અંગેનો અનુચ્છેદ ૩૬૧ મુજબ સ્પષ્ટ ઉલ્લેખ પણ છે. છતાં નીતિ નિયમને નેવે મૂકીને SDM દ્વારા કાયદાકીય પ્રક્રિયાઓની અવગણના કરી રાજ્યપાલના નામે સમન્સ જારી કરતા ખળભળાટ મચી ગયો છે. સમન્સમાં ૧૮ ઓક્ટોબરે SDM કોર્ટમાં હાજર રહેવાનું પણ ફરમાન કરાયું છે.

બદાયુના ગ્રામ લહોડા બહેડી ખાતે રહેતા ચંદ્રહાસે આ વિસ્તારના SDM ન્યાયિક કોર્ટમાં વિપક્ષી પક્ષકારના રૂપમાં લેખરાજ, પીડબ્લ્યૂડીના સંબંધિત અધિકાર અને રાજ્યપાલને પક્ષકાર બનાવીને એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી મુજબ ચંદ્રહાસના કાકી કટોરી દેવીની સંપત્તિ તેના કોઈ સંબંધિએ પોતાના નામે કરાવી લીધી છે. જે બાદ તેને આ સંપત્તિ લેખરાજ નામના વ્યક્તિને વેંચી દીધી છે. થોડા દિવસો બાદ આ સંપત્તિનો કેટલોક ભાગ શાસન દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યો છે. જે બાદ લેખરાજને શાસનથી અંદાજીત ૧૨ લાખ રૂપિયા મળ્યા હતા.

મામલો બહાર આવ્યા બાદ કટોરી દેવીના ભત્રીજા ચંદ્રહાસએ કોર્ટના દ્વારા ખટખટાવી એક અરજી દાખલ કરી છે. આ અરજી પર લેખરાજ અને રાજ્યપાલ આનંદીબેન પટેલને ૭ ઓક્ટોબરના ધારા ૧૪૪ હેઠળ એક સમન્સ જારી કરવામાં આવ્યું હતું. જે ૧૦ ઓક્ટોબરના રાજ્યભવન ખાતે મળ્યુ હતું. જેમાં રાજ્યપાલને ૧૮ ઓક્ટોબરના SDM ન્યાયિક કોર્ટમાં હાજર રહેવા અને પોતાનો પક્ષ રાખવા માટે જણાવાયું છે.

આ પણ વાંચો :-