રાજકારણના ખેલાડી સી. આર. પાટીલ અને દર્શના જરદોશ ‘ભમરડા’ની રમત રમ્યા

Share this story

રાજકારણ અને સમાજકારણના ખેલાડી ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ આજે શેરીમાં ભમરડાથી રમ્યા હતા. લોકોને ભાજપ સાથે માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ સામાજિક રીતે જોડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મંત્રીઓ અને સાંસદોને નવી પેઢીના લોકોની વચ્ચે જઈને રમત-ગમતના માધ્યમથી લોકોને પક્ષ સાથે જોડવાની સકારાત્મક વ્યૂહરચના અપનાવી છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યાં છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે શાળાઓમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી, જે આજે પણ ચાલુ છે.

સામાન્ય સંજોગોમાં શેરીઓમાં જઈને માત્ર રાજકીય કે સરકારની વાતો કરવામાં આવે તો એ હવે લોકોને ગમતુ નથી અને એટલે જ રાજકીય વ્યૂહરચનાનાં માહિર વડાપ્રધાન મોદીએ હાલમાં ચૂંટણીઓનો માહોલ નથી, એવા સમયે ‘ખાલી’ એટલે કે નવરાશના દિવસોમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને લોકોની વચ્ચે જવાનો ‘ખેલ મહોત્સવ’ના નામે રસ્તો કરી બતાવ્યો છે. કદાચ શરૂઆતના દિવસોમાં આ આઈડિયા ઘણાંને અનુકુળ આવ્યો નહીં હોય, પરંતુ વડાપ્રધાનનો આદેશ હોવાથી અમલ કર્યા વગર છુટકો નહીં હોવાથી ચારે તરફ ‘ખેલ મહોત્સવ’નાં નામે સામાજિક મેળાવડા થઈ રહ્યાં હતા, પરંતુ એક વખત ખેલ મહોત્સવમાં સહભાગી બન્યા બાદ ખરેખર આનંદ આવી રહ્યો છે. કારણ કે, ‘ખેલ મહોત્સવ’માં કોઈ રાજકીય વાતો કર્યા વગર પણ પોતાનો અને પક્ષનો પ્રચાર કરવાની તક મળવા ઉપરાંત ઉગતી પેઢીનાં લોકોને ભાજપની વિચારધારા સાથે જોડવાની તક ઊભી થઈ રહી છે. ફળશ્રૃતિરૂપે નવી પેઢીના લોકો પણ ભાજપ અને વડાપ્રધાનની વિચારધારાથી આકર્ષાઈ રહ્યાં છે. યુવાનો રમત મહોત્સવમાં ભાગ લેવા માટે આવે છે, પરંતુ ઘરે પાછા ફરે છે ત્યારે ભાજપની સકારાત્મક વિચારધારા લઈને જાય છે.

અલબત આ સામાન્ય લાગતી બાબત દીર્ઘ દૃષ્ટિથી જોવામાં આવે તો ભાજપની વિચારધારાનાં લોકોની સંખ્યામાં વધારો કરી રહી છે અને આ બાબત જ નરેન્દ્ર મોદીની ખાસીયત છે. કેન્દ્રીય મંત્રી અને સુરતનાં સાંસદ દર્શના જરદોશના મત વિસ્તારમાં પાછલાં ઘણાં દિવસોથી ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે. વળી મહત્ત્વની બાબત એ છે કે, ખેલ મહોત્સવમાં માત્ર યુવકો, પક્ષ કાર્યકરો જ નહીં. શેરી-મહોલ્લાની મહિલાઓ અને ભાજપ સાથે નાતો નહીં ધરાવતા લોકો પણ ભાગ લઈ શકતા હોવાથી સમગ્ર કાર્યક્રમ રાજકીય હોવા છતાં બિનરાજકીય તરીકે યોજાઈ રહ્યાં છે અને લોકોને પણ ખરેખર મજા આવી રહી છે. સાંસદ દર્શના જરદોશ લગભગ સમગ્ર મત વિસ્તારમાં કાર્યક્રમો પુરા કરી ચૂક્યાં છે.

ખેલ મહોત્સવમાં જુના જમાનામાં શેરીઓમાં રમાતી રમતો કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, વોલીબોલ, લીંબુ ચમચી, કાંગારુ, ભમરડા દાવ, લખોટી, ક્રિકેટ, તરણ સ્પર્ધા વિગેરે રમતો યોજવામાં આવી હતી. પરિણામે સાંસદ ખેલ મહોત્સવ લોકો માટે મનોરંજન અને ભાજપ માટે પક્ષનો સકારાત્મક પ્રચાર કરવાનું માધ્યમ બની રહ્યો છે.

દર્શના જરદોશ બાદ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી. આર. પાટીલે પણ પોતાના મત વિસ્તારમાં ખેલ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો અને ભુલાઈ ગયેલી ‘ભમરડા’ની રમત ખુદ સી. આર. પાટીલ પોતે રમ્યા હતા. અલબત તેમને ‘ભમરડો’ ફેંકવાનું બરાબર ફાવ્યું નહોતું, પરંતુ રમતોત્સવમાં ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી વગેરેએ ભમરડા ઉપર દોરી વિંટાળીને ભમરડો ફેરવી બતાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પણ ભમરડાની રમતમાં ભાગ લીધો હતો. સાથે મેયર હેમાલી બોઘાવાલા પણ જોડાયા હતા.

નજીકના ભૂતકાળમાં દર્શના જરદોશ અને હેમાલી બોઘાવાલાને સુરતની શેરીઓમાં રમતો રમતા ઘણાંએ જોયા હશે.
આમ પણ દર્શના જરદોશ કોલેજકાળ દરમિયાન ખુબ જ સક્રિય હતા. એ જમાનાનું સુરત ખુબ નાનુ હતું અને ચૌટાપુલનો ફોટો સ્ટુડીઓ ‘તસવીર કેન્દ્ર’ સુરત શહેરનું સૌથી મોટું આકર્ષણ હતું.

આ તરફ સી. આર. પાટીલ પણ ભૂતકાળમાં તેમની પોલીસદળની ફરજો દરમિયાન ઘણાં જાણિતા હતા અને તેમણે ભલભલા ખેલાડીઓના ‘ખેલ’ બગાડી નાંખ્યા હતા. આજે સુરત શહેરના ભૂતકાળનાં ખેલાડીઓ રાજકીય ફલક ઉપર વિસ્તરીને શહેર, રાજ્ય અને દેશનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે.

ખેલ મહોત્સવ’ના આધારે શેરી, મહોલ્લાના, ગામડાંઓના લોકોના ઘર સુધી પહોંચવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આઈડિયા ખરેખર કારગત નિવડશે .

સાંસદ ખેલમહોત્સવમાં લોકોને પણ ખૂબ મજા પડી અને ભાજપે રાજકીય પ્રચાર કર્યા વગર નવી પેઢીના લોકોમાં પણ  ભાજપના બીજનું વાવેતર કરી દીધું .

કબ્બડી, ખોખો, રસ્સા ખેંચ, વોલીબોલ, લીંબુ ચમચી, કાંગારુ, ભમરડા દાવ, લખોટી, ક્રિકેટ, લાંબી દોડ, તરણ સ્પર્ધા વગેરે ભુલાઈ ગયેલી રમતો તાજી થતાં લોકો પણ ખુશ થઈ ગયા

આ રીતે પણ લોકો સુધી અને સકારાત્મક પહોંચી શકાય એવું કદાચ ભાજપના લોકપ્રતિનિધિઓએ પણ વિચાર્યું નહીં, પરંતુ લોકોની વચ્ચે પહોચ્યા પછી ચોક્કસ સુખદ અનુભવ થયો હશે.