Thursday, Oct 23, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા

2 Min Read

દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓએ અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાનાં દર્શન કર્યા. દર્શન બાદ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું કે, અયોધ્યાના રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે. PM મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે અત્યંત ગૌરવશાળી અવસર છે. રામમંદિર સાચા અર્થમાં રાષ્ટ્રની ચેતના અને રાષ્ટ્રના નવજાગરણનું કેન્‍દ્ર બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યા ભવ્ય રામ મંદિરમાં દર્શન બાદ શબરી માતા અને ભગવાન રામચંદ્રજીના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઇન્ટિંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભેટ રૂપે અર્પણ કર્યું હતું. CMએ અયોધ્યા રામમંદિરમાં દર્શન-પૂજન બાદ પોતાના પ્રતિભાવ પ્રચાર માધ્યમો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે, PM મોદીના યશસ્વી નેતૃત્વમાં પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની અલૌકીક પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં નવા કાલચક્રના ઉદભવનો ઉદઘોષ છે.

મુખ્યમંત્રીએ કહું કે પ્રભુ શ્રી રામના દર્શન કરીને તેમણે ભગવાનને પ્રર્થના કરી છે કે, ગુજરાત સહિત સૌ દેશવાસીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને PM મોદીના નેતૃત્વમાં ભારત જે વિકાસની નવી ઉંચાઇઓ સતત સર કરી રહ્યું છે તે વિકાસ યાત્રા આવનારા દિવસોમાં પણ પ્રભુ શ્રી રામની કૃપાથી તેમના નેતૃત્વમાં વધુ આગળ ધપતી રહે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, આદિજાતિ વિકાસમંત્રી ડો. કુબેર ડિંડોર, મહિલા અને બાળકલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા અયોધ્યા પહોંચ્યાં છે અને રામલલ્લાનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા છે. રવિવારે યોગી સરકારે અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં રામલલ્લાના દરબારમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો :-

Share This Article