ગુ. યુનિવર્સિટીની ઘટનામાં બે આરોપીની ધરપકડ, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે?

Share this story

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારની રાતે થયેલી મારામારીના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. આ બે આરોપીના નામ હિતેશ મેવાડા અને ભરત પટેલ છે. જ્યારે આ મામલે ૨૦ થી ૨૫ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ૯ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વિદેશ મંત્રાલયે પણ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મુદ્દે સંજ્ઞાન લીધું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અથડામણમાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમાંથી એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિચકારી હુમલાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અસમાજીક તત્વોએ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં નમાઝ પઢવા મામલે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટીમાં ભણતા અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાનનાં વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાયું છે. ઘટનાને લઈને પોલીસે સમગ્ર હોસ્ટેલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. મળતા અહેવાલ પ્રમાણે ગત રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી.

પીડિત વિદ્યાર્થીઓએ જણાવ્યું કે હોસ્ટેલના રૂમમાં ઘૂસીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. લેપટોપ, એસી, કબાટ, ટેબલ, દરવાજા, મ્યુઝિક સિસ્ટમની તોડફોડ કરવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે અહીં ઘણા તહેવારોમાં ભાગ લઈએ છીએ, દરેક અમારા ભાઈ છે પરંતુ આ અપેક્ષા નહોતી. રિપોર્ટ અનુસાર હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મામલામાં સાત લોકોની ઓળખ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો :-