કાશ્મીરમાં આંતકીઓ બન્યા બેફામ, વધુ એક હિંદુની ગોળી મારી કરાઈ હત્યા

Share this story
Terrorists in Kashmir go berserk
  • જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી દહેશતનો માહોલ છે. આતંકીઓ સતત હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આજે પણ ટાર્ગેટ કિલિંગની એક ઘટનામાં આતંકીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બેંક મેનેજર વિજયકુમારનું મોત નિપજ્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં (Kashmir) ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી દહેશતનો માહોલ છે. આતંકીઓ સતત હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આજે પણ ટાર્ગેટ કિલિંગની (Target Killing) એક ઘટનામાં આતંકીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બેંક મેનેજર વિજયકુમારનું (Bank Manager Vijaykumar) મોત નિપજ્યું છે. મૃતક રાજસ્થાનના હનુમાનગઢના રહીશ હતા.

મૃતક વિજયકુમાર કુલગામના મોહનપોરામાં Ellaqie Dehati Bank માં ફરજ બજાવતા હતા. આતંકીઓ તેમના પર ફાયરિંગ કર્યું. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યાં મુજબ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. હાલ વિસ્તારની ઘેરાબંધી  કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

અત્રે જણાવવાનું કે આતંકીઓ કાશ્મીર ખીણમાં હિન્દુ નાગરિકો અને સરકારી કર્મચારીઓને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. હાલમાં જ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ અને કુલગામમાં મહિલા શિક્ષકની હત્યાના વિરોધમાં ભારે વિરોધ પ્રદર્શન થયું. કાશ્મીરી પંડિતોની માંગણી છે કે તમામ પ્રવાસી સરકારી કર્મચારીઓને સુરક્ષિત સ્થળો પર તૈનાત કરવામાં આવે.

ટાર્ગેટ કિલિંગ પર સરકારનો નિર્ણય :

અત્રે જણાવવાનું કે કાશ્મીર ઘાટીમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા હિન્દુ કર્મચારીઓને ટાર્ગેટ કિલિંગથી બચાવવા માટે પ્રદેશના એલજી મનોજ સિન્હાએ બુધવારે અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી. જેમાં સેનાના ટોપ ઓફિસર, પોલીસ અને વહિવટીતંત્રના અધિકારીઓ સામેલ થયા. બેઠકમાં કાશ્મીરી હિન્દુઓને બચાવવા માટે મોટો નિર્ણય લેવાયો.

સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ પેકેજ હેઠળ સરકારી નોકરી કરવા માટે કાશ્મીર ઘાટીમાં પાછા  ફરેલા હિન્દુઓને ટાર્ગેટ કિલિંગથી બચાવવા માટે તેમની તૈનાતી હવે જિલ્લા મુખ્યાલયો પર કરાશે. અહીં તે કર્મચારીઓની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરાશે. આ સાથે જ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને એકદમ ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા અપાશે. આવા હિન્દુ કર્મચારીઓને હવે તહસીલો કે રિમોટ એરિયાની ડ્યૂટીમાંથી હટાવી દેવાશે.

મહત્વની બેઠકમાં નિર્ણય લેવાયો કે કાશ્મીર ઘાટીમાં કામ કરતા કાશ્મીરી હિન્દુઓને જમ્મુ રિલોકેટ કરવાની માંગણી સ્વીકારાશે નહીં. કારણ કે જો આમ કરવામાં આવે તો તેનાથી પ્રદેશમાં સાંપ્રદાયિક ધ્રુવિકરણ વધુ ઝડપી થશે. આ સાથે જ આતંકીઓનું મનોબળ પણ પહેલા કરતા વધશે અને તેઓ અન્ય ભાગમાં પણ આવી જ હિંસક ગતિવિધિઓને અંજામ આપશે. જો કે વિશેષ પરિસ્થિતિઓમાં કેટલાક કાશ્મીરી હિન્દુઓને જમ્મુ ટ્રાન્સફર કરવા પર વિચાર થઈ શકે છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Terrorists in Kashmir go berserk