લદ્દાખ-જમ્મૂમાં વહેલી સવારે ભયંકર આંચકા, ૪.૫ની તીવ્રતા નોંધાઇ

Share this story

લદ્દાખમાં આજે મંગળવારે વહેલી સવારે લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે સવારે ૪.૩૩ વાગ્યે લેહ અને લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપનું કેન્દ્ર ૫ કિમીની ઊંડાઈએ હતું. ૩૪.૭૩ અક્ષાંશ અને ૭૭.૦૭ રેખાંશ પર આ ભૂકંપ આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના નજીકના કિશ્તવાડ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર કિશ્તવાડમાં ભૂકંપ સવારે ૧.૧૦ વાગ્યે ૫ કિમીની ઊંડાઈએ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વારંવાર ભૂકંપ આવે છે. એક અઠવાડિયા પહેલા પણ લદ્દાખમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ માપવામાં આવી હતી અને ત્યારબાદ ઓછી તીવ્રતાના બે આંચકા અનુભવાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ હળવો ભૂકંપ આવ્યો હતો.

લદ્દાખના ઝંસ્કર ક્ષેત્રમાં ૮૦૦ વર્ષ જૂના મઠમાં તાજેતરના ભૂકંપ પછી તિરાડો પડી હતી, જેના પગલે તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. તહસીલદાર સોનમ દોરજેની આગેવાની હેઠળની સરકારી ટીમે ભૂકંપગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, જેમાં કારશા મઠના ૮૦૦ વર્ષ જૂના મુખ્ય લહખાંગ (રક્ષક ચેમ્બર)નો સમાવેશ થાય છે, ભૂકંપના કારણે મઠમાં તિરાડો પડી હતી અને ટીમે ‘પ્રાર્થના અને મેળાવડા’ માટે સ્થળને અસુરક્ષિત જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.