બિહાર સમાચાર તેજસ્વી યાદવ નીતિશ કુમાર: બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રાજ્યસભા સભ્ય બનવા જઇ રહેલા નીતિશ કુમાર વિશે તેજસ્વી યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એ તો પહેલેથી જ નક્કી હતું કે, ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમારને મુખ્યમંત્રી પદે લાંબો સમય નહી રાખે. ભાજપ હવે ઝડપથી જનતા દળ યુનાઇટેડ (જેડીયૂ) ને ખતમ કરી દેશે.
તેજસ્વી યાદવે પટનામાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, બિહાર ચૂંટણીમાં અમે કહ્યું કે, નીતિશ કુમારને વરરાજા બનાવી ઘોડી પર તો ચડાવાયા છે પરંતુ ફેરા કોઇ બીજા સાથે લેવાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, આ સચ્ચાઇ છે કે ભાજપ ઓબીસી કે દલિતને ટકવા દેતું નથી.
અહીં નોંધનિય છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રાજ્યસભા સભ્ય બનવા જઇ રહ્યા છે. રાજકીય આ હલચલને લીધે બિહારનું રાજકારણ ગરમાયું છે. આ સ્થિતિમાં આજે સવારે નીતિશ કુમારે X પર પોસ્ટ શેયર કરી સ્પષ્ટતા કરી છે કે, તેઓ રાજ્યસભા સભ્ય બનવા ઇચ્છે છે અને નવી સરકારને તેમનો પુરો સહયોગ રહેશે.
તેજસ્વી યાદવે એ પણ કહ્યું કે, ભાજપ બિહારમાં મહારાષ્ટ્રની જેમ રાજકારણ કરવા જઇ રહ્યું છે.