T20 World Cup 2022 will be like 1992
- 1992ની જેમ આ વખતે પણ પાકિસ્તાન વર્લ્ડકપની સેમિફાઈનલમાં તુક્કાથી આવી ગયું છે. ત્યારે ફરી એકવાર સવાલ એ આવીને ઊભો છે કે શું ઈમરાન ખાનની જેમ આવખતે બાબરના હાથમાં આવશે વર્લ્ડ કપની ટ્રોફી ? કેમ આવું થઈ શકે છે તેના કારણો પણ જાણો.
હાલ ટી20 વર્લ્ડકપ (T20 World Cup) એના અંતિમ અને રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. એક તરફ ભારત પોતાના દમખમથી સેમિફાઈનલમાં (Semifinals) પહોંચ્યુ. તો બીજી તરફ પાકિસ્તાન કિસ્મતના જોરે ધક્કો ખાતા ખાતા સેમિફાઈનલમાં પહોંચ્યું. સ્થિતિ એવી થઈ છે કે ફરી એકવાર ભારત-પાકિસ્તાન (India-Pakistan) પણ મેદાનમાં સામસામે જોવા મળી શકે છે.
જોકે આનાથી ઉલટું બીજી પણ એક સ્થિતિ છે જે સંકેત આપે છે 1992 જેવા. જી હાં વર્લ્ડકપ 2022 માં ફરી એકવાર 1992 જેવા ઘાટ ઘઢાયા છે. તે સમયે પણ ઈમરાન ખાનની કેપ્ટનશીપ વાળી પાકિસ્તાનની ટીમ તુક્કાથી ફાઈનલમાં આવી ગઈ હતી. અને કપ જીતી ગઈ હતી. આ વખતે પણ પરિસ્થિતિ કંઈક એવા જ સંકેત આપી રહી છે. ત્યારે 1992 અને 2022 માં કેટલી સામ્યતા છે તેના વિશે જાણીએ.
1992ના વર્લ્ડ કપમાં એ સાબિત થયું હતું કે નસીબથી વધુ બળવાન કોઈ નથી. પાકિસ્તાને પોતાની પ્રથમ 5માંથી 3 મેચ ગુમાવી હતી. 1 મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું અને માત્ર 1 મેચમાં જીત મેળવી હતી. એ તબક્કે કોઈ ઈમરાનની ટીમને વર્લ્ડકપનો દાવેદાર નહોંતી માનતી. પણ કિસ્મતે કરવટ બદલી અને પાકિસ્તાનનું પત્તુ ચાલી ગયું. અને ઈમરાન મિયાંએ વર્લ્ડકપ ઉપાડીને ફોટા પડાવ્યાં.
અત્યારે ચાલતા T20 વર્લ્ડ કપમાં પણ બધાને ચોંકાવીને પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત તો ઠીક પણ એ પછી ઝિમ્બાબ્વે સામે પણ મેચ ગુમાવ્યા બાદ પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી ગયું એ વાતથી બધા ચોંકી ગયા છે.
સાઉથ આફ્રિકા પોતાના ક્રિકેટિંગ ઇતિહાસમાં પહેલીવાર એસોસિએટ નેશન (નેધરલેન્ડ્સ) સામે હાર્યું અને પાકિસ્તાન સેમિ.માં પહોંચ્યું. 2022ના વર્લ્ડ કપની સ્ક્રીપ્ટ પાકિસ્તાન સામે 1992 જેવી સાબિત થઈ રહી છે. અહીં આપણે જાણીશું બંને વર્લ્ડ કપની સમાનતા વિશે એ પછી તમે અમને જણાવજો કે ઇતિહાસનું પુનરાવર્તન થશે કે નહીં?
1) ઓસ્ટ્રેલિયામાં પહેલો વર્લ્ડ કપ :
1992માં ઓસ્ટ્રેલિયામાં વનડે ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. 2022માં T20 ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. બંને કેસમાં હોમ ટીમ સેમિફાઇનલમાં પહોંચ્યા વિના ટૂર્નામેન્ટની બહાર થઈ.
2) અગાઉના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર :
1987ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે મેચ ગુમાવી હતી. ત્યારે એલન બોર્ડરની ટીમ સામે ઇમરાન અને બોય્ઝે 18 રને લાહોર ખાતે બાજી ગુમાવી હતી. ગયા વર્ષના T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. દુબઇ ખાતેની એ મેચ કાંગારુંએ 5 વિકેટે બાજી મારી હતી.
3) બંને વખતે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં MCG ખાતે હાર :
1992માં પાકિસ્તાન પોતાની વર્લ્ડ કપની પહેલી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમ્યું હતું. તેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ પ્રથમ મેચ પાકિસ્તાને મેલબોર્નમાં જ રમી હતી, જેમાં ભારતે તેને 4 વિકેટે હરાવ્યું હતું.
4) ગ્રુપ સ્ટેજમાં ભારત સામે પાકિસ્તાનની હાર :
આ વખતે તો પાકિસ્તાન પોતાની ગ્રુપ સ્ટેજની પહેલી મેચમાં ભારત સામે હારી જ ગયું છે આશ્ચર્યની વાત એ છે કે 1992માં પણ ઇમરાન ખાનની ટીમે મોહમ્મદ અઝહરુદ્દીનની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ત્યારે પાકિસ્તાનને 43 રને માત આપી હતી.
5) ગ્રુપ સ્ટેજમાં છેલ્લી ત્રણેય મેચ જીતી :
1992માં પાકિસ્તાને પોતાના ગ્રુપ સ્ટેજની છેલ્લી ત્રણેય મેચ જીતી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાને પર્થ ખાતે 48 રને, શ્રીલંકાને પર્થ ખાતે 4 વિકેટે તો ન્યૂઝીલેન્ડને ક્રાઈસ્ટચર્ચ (ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં સંયુક્તપણે વર્લ્ડ કપ યોજાયેલો) ખાતે 7 વિકેટે હરાવ્યું હતું. આ વખતે પાકિસ્તાને પોતાની અંતિમ-3 ગ્રુપ ગેમ્સમાં નેધરલેન્ડ્સને પર્થ ખાતે 6 વિકેટે, સાઉથ આફ્રિકાને સિડની ખાતે 33 રને તો બાંગ્લાદેશને એડિલેડ ખાતે 5 વિકેટે હરાવ્યું હતું.
6) 1992 અને 2022 બન્ને વાર પાકિસ્તાન સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે :
બંને કેસમાં પાકિસ્તાને સેમિફાઇનલમાં એક પોઇન્ટના અંતરથી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. તેમજ વધુ રસપ્રદ રીતે 1992માં પાકિસ્તાને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ઓકલેન્ડ ખાતે 4 વિકેટે હરાવ્યું હતું. આ વખતે પણ પાકિસ્તાન સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે જ ટકરાશે.
7) ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન વર્લ્ડ ચેમ્પિયન બન્યું :
1992માં ઇંગ્લેન્ડને ફાઇનલમાં 22 રને હરાવીને પાકિસ્તાન વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ વખતે પણ તેની પાસે તક છે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચવાની અને પછી ચેમ્પિયન બનવાની. તેમજ જો અન્ય સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ ભારતને હરાવી દે તો 1992ના ફાઇનલની જેમ આ વખતે પણ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે ફાઇનલ રમાઈ શકે છે. તમને શું લાગે છે આ ટૂર્નામેન્ટની બાકીની ત્રણ મેચમાં પણ 1992ની સ્ક્રીપ્ટ રિપીટ થશે કે પછી આ સંયોગોનો સેમિફાઇનલમાં અંત આવી જશે?
આ પણ વાંચો :-
- ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂલથી પણ આ નિયમનો ભંગ ના કરતા, વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું જાહેર
- Video Call આવ્યો.. છોકરી અચાનક નિર્વસ્ત્ર થઈ, બાદમાં નંખાઈ બ્લેકમેલની જાળ, કૌભાંડનો નવો કીમિયો સેકસટોર્શન