ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂલથી પણ આ નિયમનો ભંગ ના કરતા, વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું જાહેર

Share this story

Vadodara District Election Officer issued a notification

  • વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોની નોંધણી ફરજીયાત કરાવવાની રહેશે. સાથે જ પ્રચાર માટે ફોર વ્હીલરમાં 5 લોકો જ બેસી શકશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો (Political parties) ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને (Voters) આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ચૂંટણી પ્રચારને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી (Vadodara District Election Officer) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું :

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવાર માટે કે પક્ષ માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી તેને વાહનની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે.

પ્રચાર માટે ફોર વ્હીલરમાં 5થી વધુ લોકો નહીં બેસી શકે :

ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવેલા વાહનો સિવાય અન્ય કોઈપણ વાહનોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી. સાથે જ પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા ફોર વ્હીલરમાં 5 જ લોકો બેસી શકશે.

જાહેરનામાનો ભંગ કરનારને ફટકારવામાં આવશે સજા :

જાહેરનામા અનુસાર,ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહન પર વધારાની એસેસરીઝ ફીટ કરેલી હશે તો RTOની મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ચૂંટણી અધિકારીની રૂમમાં 5 વ્યક્તિને જ પ્રવેશ અપાશે. આ જાહેરનામાનો ભંગ કરનારને સજા ફટકારવામાં આવશે.

200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓને મંજૂરી નહીં :

મતદાન મથકોની 200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ 200 મીટરની ત્રિજ્યામાં ટેબલ ખુરશી કે છત્રી પર પણ પ્રતિબંધ મૂકાયો છે. 200 મીટર ત્રિજ્યાની બહાર 1 ટેબલ, 2 ખુરશી અને 1 છત્રી રાખી શકાશે. 200 મીટર ત્રિજ્યા બહાર રાવટી, તંબુ કે મંડપ બાંધવા પર રોક લગાવવામાં આવી છે.

આ પણ વાંચો :-