સુરત મહાનગર પાલિકા (SMC)ની પર્યાવરણ-લક્ષી પહેલે શહેરમાં હરિયાળો યુગ શરૂ કર્યો છે. શહેરી પરિવહનમાં ક્રાંતિકારી પગલું ભરતા, SMCએ BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)ના તમામ 13 રૂટ પર દોડતી તમામ 352 બસોને ડીઝલમુક્ત બનાવીને તેની જગ્યાએ ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું શરૂ કર્યું છે. આના પરિણામે સુરતનો BRTS રૂટ હવે સાચા અર્થમાં ‘ગ્રીન રૂટ’ બની ગયો છે.
પર્યાવરણને ફાયદો: 200 ટન CO2નો ઘટાડો
આ ઇલેક્ટ્રિક બસોના સંચાલનથી પર્યાવરણને જબરદસ્ત લાભ થયો છે. BRTS રૂટ પરથી 352 બસો દૈનિક 6,000 લીટર ડીઝલનો ધુમાડો ઓકતી બંધ થતાં, વાતાવરણમાં દર મહિને આશરે 200 ટન કાર્બન ડાયોક્સાઇડ (CO2) જતો અટક્યો છે. વાર્ષિક ધોરણે જોઈએ તો, વાતાવરણમાં 2,400 ટન કાર્બન જતો અટકાવવામાં આવ્યો છે, જે સુરતને વધુ સ્વચ્છ અને શ્વાસ લેવા યોગ્ય શહેર બનાવે છે.
ડીઝલ અને ખર્ચની મોટી બચત
ડીઝલ બસોની સરખામણીમાં ઇ-બસો ચલાવવાથી SMCને આર્થિક રીતે પણ મોટો ફાયદો થયો છે. અગાઉ ડીઝલ બસોની એવરેજ 4-5 કિલોમીટર પ્રતિ લીટર નોંધાતી હતી, જેના કારણે દૈનિક હજારો લિટર ડીઝલનો વપરાશ થતો હતો. ઇલેક્ટ્રિક બસ (ઇ-બસ) ઓનરોડ થતાં પ્રતિદિન 6,000 લીટર ડીઝલની બચત શરૂ થઈ છે. વાર્ષિક ગણતરી મુજબ, વર્ષે 18 લાખ લિટરથી વધુ ડીઝલનો વપરાશ અને તેનાથી થતો ધુમાડો થતો અટકાવવામાં આવ્યો છે. ડીઝલ ખર્ચમાં આ ઘટાડાને કારણે સુરત SMCને વર્ષે આશરે 15 કરોડ રૂપિયાની મોટી બચત થઈ રહી છે.