Tuesday, Jun 17, 2025

ભાજપને દેશના સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચાડવા સુરતીઓની ઐતિહાસિક ભૂમિકા હતી

12 Min Read
  • કોંગ્રેસનો સૂર્ય મધ્યાહને હતો ત્યારે જનસંઘના સમયથી શેરીઓના પરિવર્તનનો પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચૂકી હતી અને જનસંઘના ભાજપમા વિલિનીકરણ બાદ પરિવર્તનની હવાને વધુ વેગ મળ્યો હતો
  • કોંગ્રેસ સાથે બાથ ભીડવામાં અનેક વખત પછડાટ ખાધા પછી પણ કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, ચંપક સુખડિયા, કે.કે.દેસાઇ, અરવિંદ ગોદીવાલા, પ્રવિણ નાયક, પ્રતાપ દેસાઇ, કિશોર વાંકાવાળા સહિત નામી અનામી નેતાઓએ ગાંઠના ખર્ચીને બાથ ભીડી હતીશંકરસિંહ વાઘેલાએ રચેલી મહાગુજરાત જનતા પાર્ટી એટલે કે, ‘મજપા’ અને કેશુબાપાની આગેવાનીમાં રચાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે કે ‘જીપીપી’ ની રચના દુઃખદ ઘટનાઓ હતી
  • ભાજપના સુપ્રિમો તરીકે ઓળખાતા કાશીરામ રાણા સતત સુરત બેઠક ઉપરથી સર્વોચ્ચ લીડથી ચૂંટાતા આવ્યા હતા ત્યાર બાદ સી.આર.પાટીલે કાશીરામ રાણાથી આગળ વધીને સર્વોચ્ચ લીડ જાળવી રાખવા ઉપરાંત ગુજરાતના રાજકીય ઇતિહાસમાં વિધાનસભાની ૧૫૬ બેઠકો જીતીને દેશભરમાં ઉદાહરણ પુરૂ પાડવા સાથે સવાયા સુપ્રિમો પુરવાર થયા હતા
  • કાશીરામ રાણા, ફકીર ચૌહાણ સહિત અન્ય નેતાઓએ સુરત અને દ‌િક્ષણ ગુજરાતમાં ભાજપનું બીજ રોપ્યું હતું જ્યારે સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ સંભાળ્યા પછી સમગ્ર ગુજરાતમાં વટવૃક્ષ બનાવી દીધુંદેશના અન્ય રાજ્યોમા પરિવર્તનનો પવન ફૂંકાઇ ચૂક્યો હતો પરંતુ કોંગ્રેસનો ગઢ ગણાતું ગુજરાત કબજે કરવાનુ અશક્ય લાગતુ કામ લાલકૃષ્ણ અડવાણી, કેશુબાપા, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ પાર પાડ્યું હતું.

થોડા દિવસ પહેલા અનાયાસે સુરતના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્‍ઠ અગ્રણી ફકીરભાઇ ચૌહાણને મળવાનું થયું અને ચાર-પાંચ દાયકા પૂર્વેનું સુરત, સુરતના લોકો, સુરતીઓનો વહેવાર અને સુરતમાં એક એક રાજકીય બદલાવ, ભાજપનો ઉદયકાળ સહિતની કતારબંધ ઘટનાઓની યાદો જાણે ફિલ્મી પરદે રજૂ થતા ચિત્રપટની માફક નજર સામે તરવરી ઊઠી. દરેક યાદ એક સુખદ અનુભવ કરાવતી હતી. વર્તમાન રાજકીય, સામાજિક સ્થિતિ અને જાહેર જીવનમાં આવેલા વ્યક્તિગત બદલાવની હાલત જોતા ભૂતકાળ ઘણો સુખદ હતો, રાજકીય પક્ષો અલગ હોય કે એક જ પક્ષના લોકો વચ્ચે મતભેદ હોય પરંતુ ક્યારેય મનભેદ કે રાજકીય હિસાબ ચૂકતે કરવાના ગ‌િણત મુકાતા નહોતા. જાહેર જીવનમાં ઘણા લોકો ખોટા સિક્કા જેવા પણ નીકળ્યા હતા. પરંતુ સમાજે આવા લોકોને ઇયળની માફક કાઢીને ફેંકી દીધા હતા. તેમ છતાં સરેરાશ જાહેરજીવન દાયકાઓ સુધી પારદર્શી અને વિશ્વાસભર્યુ રહ્યું હતું. લોકો રાજકીય આગેવાન ઉપર ભરોસો કરી શકતા હતા. સુખદ કે દુઃખદ પ્રસંગે રાજકીય, સામાજિક આગેવાનો સધિયારો આપવા પહોંચી જતા જીવનમાં સફળતા મળી હતી એવું નથી, ઘણા એવા લોકો પણ હતા કે જેઓ અડધા રસ્તેથી પાછા ફરી ગયા હતા પરંતુ તેમનુ જાહેરજીવન હંમેશા ‘બેદાગ’ અને ‘નિષ્પક્ષ’ રહ્યું હતું.વાતનો કોઇ ચોક્કસ મુદ્દો નહોતો પરંતુ સામાજિક અને રાજકીય ક્ષેત્રે થઇ રહેલા નૈતિક ધોવાણ સામે આ વયોવૃદ્ધ આગેવાનની આંખોમાં ચિંતા તરવરતી હતી. લગભગ ૮૭ વર્ષની વય વટાવી ચૂકેલા ફકીર ચૌહાણને સુરતની રાજકીય, સામાજિક ઘટનાઓ તેમજ કુદરતી અને માન‌વસર્જિત અેક એક ઘટનાઓ યાદ છે. પોતે વ્યવસાયે શિક્ષક હોવાથી જાહેરજીવનના પ્રારંભકાળથી સ્પષ્ટ વક્તા તરીકે તેમની માત્ર ઇમેજ નહોતી, વાસ્તવિકતા પણ હતી. એક જમાનામાં સુરતનો મહિધરપુરા અને ભવાનીવડ વિસ્તાર સુરતની કોઇપણ પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર ગણાતું હતું અને ફકીર ચૌહાણ ભવાનીવડ નજીક જ એક શિક્ષણ સંસ્થા ચલાવતા હતા. રેલવે સ્ટેશનથી ચોકબજાર, રૂવાળા ટેકરાથી અશક્તાશ્રમ અને લાલદરવાજા આ મૂળ સુરત હતું. ગોપીપુરા, નાણાવટ કોટ્સફીલરોડ આ શ્રીમંતોનાે વિસ્તાર ગણાતા હતા. પરંતુ મોટાભાગની પ્રવૃત્તિનું કેન્દ્ર કે રેલી, દેખાવો કરવાનું સ્થળ કોટસફીલરોડ, ભાગળ અને ચોકબજાર રહેતા હતા.

જ્યારે કોંગ્રેસનો સૂર્ય મધ્યાને તપતો હતો ત્યારે જનસંઘના નામે રાજકીય સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું. પાછળથી જનસંઘીઓ ભાજપમાં વિલીન થઇ ગયા અને આરએસએસની રાજકીય પાંખ ભાજપ અસ્તિત્વમાં આવી હતી. આ તરફ કોંગ્રેસનો સૂર્ય તપતો હતો ત્યારે ફકીર ચૌહાણ, કાશીરામ રાણા, ચંપક સુખડિયા, અરવિંદ ગોદીવાલા, કે.કે.દેસાઇ, પ્રવિણ નાયક, અશોક ડૉકટર, ગુલાબદાસ ખસી, ગીતાબેન દેસાઇ, સ્નેહલતા ચૌહાણ, જેવા નેતાઓએ મેદાને જંગમાં ઝંપલાવ્યું હતું. ફકીર ચૌહાણ શિક્ષક હોવાથી લાંબો કુદકો લગાવી શકવાની સ્થિતિમાં નહોતા, પરંતુ કાશીરામ રાણા એડવોકેટ હોવા ઉપરાંત રાજકીય મજબૂત સૂઝ ધરાવતા હોવાથી ભાજપનો પ્રચાર અને પ્રસાર કરવામાં ખેલાડી પુરવાર થયા હતા અને વર્ષો સુધીની લડતના અંતે ભાજપને સત્તાસ્થાને ખેંચી લાવવામાં સફળતા મળી હતી. અલબત્ત કાશીરામ રાણાની સાથે કેશુબાપા, શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા, નાથાલાલ ઝઘ‌ડા, પ્રવીણ મણિયાર જેવા અનેક દિગ્ગજોએ ગુજરાતમાં ભાજપની જડ વધુ મજબૂત બનાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. આ તરફ લોકો પણ બદલાવ ઇચ્છતા હતા અને ભાજપનું રાજકીય પલ્લુ વધુ ભારે બની રહ્યું હતું.

સુરત મહાનગરપાલિકામાં સત્તા મેળવતા પહેલા સુરતના રાજકીય તખ્તે અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા. રોજેરોજ સત્તાપરિવર્તન થવા જેવી હાલત હતી. એક ઘટનામાં મદનલાલ બુનકીએ મધરાત્રે મેયરપદેથી રાજીનામુ આપી દીધું હતું. રાજીનામુ આપવા પાછળના કારણો અલગ હતા પરતુ મદનલાલ બુનકીના રાજીનામા પાછળ નૈતિકતા સ્પષ્ટ તરી આવતી હતી.સુરત સુધરાઇની સ્થાપના લગભગ ૧૯૬૬ના વર્ષમાં કરવામાં આવી હતી અને સંભવતઃ સુરત શહેરના સૌપ્રથમ મેયર ગોરધનદાસ ચોખાવાલા હતા. ૧૯૬૬ થી ૧૯૮૧ સુધી વધુ સમુસુતરુ ચાલતુ હતુ સુરત પણ નાનું હતું એટલે મોટી સમસ્યા નહોતી સુરત ગંદુ ગોબરું હતુ, પરંતુ સુરતીઓ સુખી હતા. આજે સ્વચ્છતામાં દેશભરમાં નંબરવનનું સ્થાન ધરાવતા સુરતમાં જન્મેલી યુવા પેઢીને ભૂતકાળના ઉકરડાની વચ્ચે જીવતા લોકોના દૃશ્યો બતાવવામાં આવે તો કદાચ માની પણ નહી શકે કે આજનું ખૂબસુરત સુરત ભૂતકાળમાં એક ગંધાતુ શહેર હતું!સુરતના રાજકીય જીવનમાં ખરેખર ૧૯૮૧ના સમયગાળામાં બદલાવ આવ્યો હતો. કોંગ્રેસની જડ ઢીલી થઇ રહી હતી. કોંગ્રેસના કેટલાક નેતાઓની નીતિમત્તામાં ઊણપ આવી હતી. ૧૯૮૧ થી ૧૯૮૩ સુધીમા ચાર ચાર મેયર્સ બદલાઇ ગયા હતા. કોણ ક્યારે બદલાઇ જશે એ નક્કી નહોતું. ‘ઇંદિરાવાદી મોરચા’ નામે ગણતરીના લોકોનુ ટોળુ આખા સુરતને નચાવી રહ્યું હતું. આ બધી ગડમથલ વચ્ચે કાશીરામ રાણા ૧૯૮૪માં મેયર બન્યા હતા પરંતુ ગણતરીના આઠ મહિનામાં મેયરપદેથી ઊતરી જવું પડ્યું હતું અને ફરી કોંગ્રેસના નગીનદાસ બારડો‌િલયા અને ત્યાર પછી ડો. જ્યોર્જ સોલંકી મેયર બન્યા પરંતુ ગણતરીના ત્રણ વર્ષ બાદ કાશીરામ રાણા ફરી પાંચ માસ માટે મેયર બન્યા હતા અને૧૯૮૮ના ઓગષ્ટ માસમાં કાશીરામ રાણાને ઉથલાવીને કોંગ્રેસના કદીર પીરઝાદા અને ત્યાર બાદ કોંગ્રેસના જ પ્રતાપ કંથારિયા મેયર બન્યા હતા.

એવું કહી શકાય કે પ્રતાપ કંથારિયા કોંગ્રેસના છેલ્લા મેયર હતા અને ૮મી ફેબ્રુઆરી ૧૯૯૦ના રોજ કોંગ્રેસના જ અજીત દેસાઇ, મંજુલાબેન પટેલ, હીરા ગાંગાણી, ગોપાળ ‌નરસિંહ પટેલ સહિત અન્યોએ કોંગ્રેસમાં બળવો કરીને ભાજપને સત્તાનું સુકાન સોંપ્યું હતું. જે આજ પર્યન્ત ભાજપને એક દિવસ માટે પણ સત્તા સ્થાનેથી ઉખેડી શક્યું નથી. અજીત દેસાઇ લગભગ નવ માસ માટે મેયરપદે રહ્યા હતા, પરંતુ ત્યાર પછી એટલે કે ૧૯૯૦થી વર્તમાન ૨૦૨૫ ના વર્ષ દરમિયાન એક પણ વખત બિનભાજપી સત્તા સ્થાને આવ્યા નથી. એવું કહી શકાય કે સદ્‍ગત અજીત દેસાઇ ભાજપ માટે લક્કી પુરવાર થયા હતા.અજીત દેસાઇ બાદ ફકીર ચૌહાણે ૧૯૯૫ના જુલાઇ માસમાં મેયરપદ સંભાળી લીધું હતું. ત્યાર બાદ ગીતાબેન દેસાઇ, નવનીત જરીવાળા, સવિતા શારદા, ભીખાભાઇ બોઘરા (પટેલ), અજય ચોકસી, સ્નેહલતા ચૌહાણ, ડૉ. કનુ માવાણી, રણજીત ‌િગ‌િલટવાળા, ડૉ. રાજેન્દ્ર દેસાઇ, નિરંજન ઝાંઝમેરા, અસ્મિ‌તા શિરોયા, ડૉ. જગદીશ પટેલ, હેમાલી બોઘાવાલા અને વર્તમાન મેયર દક્ષેશ માવાણી મેયર પદ સંભાળી રહ્યા છે.૧૯૯૦ બાદ ભાજપની સફર સંઘર્ષ વગરની રહી છે. બલ્કે તૈયાર ગાદી મળી ગઇ છે. પરંતુ તે પૂર્વે કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, ચંપકલાલ સુખ‌િડયા, અરવિંદ ગોદીવાલા, પ્રવીણ નાયક, કિશોર વાંકાવાળા, પ્રતાપ દેસાઇ, ડૉ. કનુ માવાણી સહિત અનેક નામી, અનામી લોકોએ ભાજપની જડ મજબૂત કરવામાં કરોળિયાની માફક સતત ભાજપની જાળ ગુંથવા આપેલા યોગદાનને કારણે જ આજે ભાજપ અડીખમ બનીને ઊભો છે.

સુરત મહાનગરપાલિકામાં ભાજપ શાસનના ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પડઘા પડ્યા હતા. સૌરાષ્ટ્રવાસીઓની ગીચ વસ્તી ધરાવતા સુરતના વરાછા વિસ્તારમાં ભાજપને આર્થિક, સામાજિક અને રાજકીય રીતે અઢળક સમર્થન મળ્યું હતું. વાલજી કેસરી, જીવરાજ ધારૂકા, કનુભાઇ માવાણી, વસંત ગજેરા સહિતના ખમતીધર આગેવાનોએ ભાજપને જબરજસ્ત મદદ કરી હતી.આ તરફ એક મજબૂત બનાવે યુવાનીના જોશથી થનગનતા સી.આર.પાટીલનો ભાજપમાં પ્રવેશ ભાજપ માટે નિર્ણાયક રહ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇના હસ્તે સુરતની સભામાં સી.આર.પાટીલને ભાજપમાં પ્રવેશ અપાયો હતો ત્યારથી આજ પર્યન્ત સી.આર.પાટીલ સતત ભાજપને વળગી રહેવા ઉપરાંત ભાજપનો વિસ્તાર વધારવામાં નિર્ણાયક ભૂમિકા અદા કરતા આવ્યા છે. સમયાંતરે ભાજપમાં આંતરિક કલેશ થતા આવ્યા છે. પરંતુ સી.આર.પાટીલે આવા કલેશની અવગણના કરીને પોતાની મં‌િઝલ તરફનું એક ડગલું પણ ચૂક્યા નથી. બલ્કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે રહીને ભાજપને સતત જીત અપાવીને છેલ્લી વિધાનસભામાં રેકોર્ડબ્રેક ૧૫૬ બેઠકો મેળવવાનો શ્રેય સી.આર.પાટીલે અંકિત કર્યો હતો. તેમણે ભાજપમાં એક અદના કાર્યકર તરીકે શરૂઆત કરી હતી. પક્ષના ટોચના નેતાઓએ અલગ વાડા, અલગ પાર્ટીઓ બનાવી હતી પરંતુ સી.આર.પાટીલે ભાજપ સિવાય કોઇનો ખેસ પહેર્યો નથી. આજે કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનવા ઉપરાંત ભાજપના નિર્ણાયક અગ્રણીઓમા પોતાનું નામ અંકિત કર્યું છે.ફકીર ચૌહાણ સાથેની અનૌપચારિક મુલાકાતમાં સુરત અને ભાજપનાે ઇતિહાસ, ભૂતકાળના અનેક પ્રસંગો તાજા થયા હતા. દરેક ઘટનાને યાદ કરતી વખતે ફકીર ચૌહાણના ચહેરા ઉપર ચાર, પાંચ દાયકા પૂર્વેના ભાવ તરવરી ઊઠતા હતા. ચહેરાની રેખાઓ ખેંચાઇ આવતી હતી હજુ જાણે આજની ઘટના છે.

ભવાનીવડ, લીંબુ શેરી, દુકાળ પોળને યાદ કરવા સાથે તેમણે જનતાદળના ઠાકોર નાયક અનામત આંદોલનના ચહેરા, કદીર પીરઝાદા, અજય ચોકસી, સુરેન્દ્ર વાણાવાળાને પણ યાદ કર્યા હતા. જનતાદળનુ કોંગ્રેસમાં વિલીનીકરણ થવાથી ઠાકોર નાયક, કદીર પીરઝાદા કોંગ્રેસના ભળી ગયા હતા, પરંતુ યુવાનીથી થનગનતા અજય ચોકસીએ ભાજપની કંઠી બાંધવાનું પસંદ કર્યું હતું.ફકીર ચૌહાણ વાત કરતા કરતા ભૂતકાળમાં સરી પડ્યા હતા તેમણે સુરતના અેક એક આગેવાનને યાદ કર્યા હતા. જદુભાઇ જરીવાળા, જયવદન જરીવાળા, ડૉ. બાબુભાઇ પટેલ (લીંબુશેરી) કિશોર વાંકાવાળા, રમણ જાની, પ્રવીણ નાયક, રતનકાકા અસારાવાલા, ધનરાજ ટોપીવાલા રણજીત ‌િગ‌િલટવાળા, અશોક ડાેકટર, નરેન્દ્ર ગાંધી, નીતિન ભજિયાવાળા, પ્રતાપ દેસાઇ, બાબુભાઇ સોપારીવાલા, રણછોડદાસ પોપાવાળા, હેમંત ચપટવાલા, પોપટલાલ વ્યાસ, ગોરધનદાસ ચોખાવાલા, છોટુભાઇ કાપડિયા, ફરામ રોજ પસ્તાગીયા, ગોવર્ધન એસ. જોષી સહિતના અનેકને યાદ કરવા સાથે રાજમાર્ગ પહોળો કરવા મિલકતો તોડવાની દુઃખદ ઘટનાને તાજી કરી હતી. તેમણે કેટલાક સનદી અધિકારીઓ અને મહાપાલિકાના અધિકારીઓને યાદ કરી તેમની ભૂમિકાની સરાહના કરી હતી.તેમણે કાશીરામ રાણાના સમય કરતા વહેલા મૃત્યુ અંગે ભારે ખેદ વ્યક્ત કર્યો હતો. કાશીરામ રાણા સુરત અને ગુજરાતમાં ભાજપનો પાયો નાંખનારા પૈકીના એક સુકાની હતા. ભાજપમાં સત્તા મેળવવા માટે થયેલા શંકરસિંહ બાપુના હજુરીયા અને ખજુરીયાકાંડ સામે ફકીર ચૌહાણે દુઃખ વ્યક્ત કરવા સાથે કેશુુબાપાની આગેવાનીમાં બનેલ ‘જીપીપી’ ગુજરાત પરિવર્તન પાર્ટીની રચનાને પણ અપરિપકવ ગણાવી હતી.આ બધાની વચ્ચે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કુટનીતિની સરાહના કરી હતી. પરંતુ ગુજરાતમાં ભાજપની મજબૂત ઇંટ મૂકવા માટે સહભાગી બનવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી. સાથે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવા માટે ગૌરવ અનુભવ્યું હતું.

Share This Article