સુરતમાં પોલીસ સ્ટેશનમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક યુવકે ચોથામાળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ યુવક કોણ છે, અને તે આરોપી છે કે ફરિયાદી? એ અંગે પોલીસ મૌન છે. જે કારણે શંકાના વાદળો વધુ ઘેરા બન્યા છે.
મળતી માહિતી પ્રમાણે, આપઘાત કરનાર યુવકની ઉંમર 35થી 40 વર્ષ જેટલી લાગી રહી છે. આજે (24 નવેમ્બર) પોલીસ સ્ટેશન પર કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા આવ્યો હતો. ત્યારબાદ અચાનક જ ટેરેસ પર પહોંચી ગયો હતો અને ત્યાંથી કૂદી ગયો હતો. ઘટના અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકની તપાસ કરતા તેનું મોત થઈ ચૂક્યું હતું.
પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના પગલે લિંબાયત પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. પોલીસની હાજરીમાં આ યુવક ટેરેસ પર કઈ રીતે પહોંચી ગયો તે એક મોટો સવાલ છે. હાલ તો એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.