હોળી/ધુળેટીના તહેવારોની ઉજવણીને ધ્યાને લઈ શાંતિ અને સલામતી જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેમજ જાહેર સુલેડ શાંતિ જળવાઈ રહે એવા ઉદ્દેશથી શહેર વિસ્તારમાં પોલીસ કમિશનર અનુપમસિંડ ગહલોતે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહલોતે હોળી અને ધૂળેટી દરમિયાન પાણીથી ભરેલા ફગવાળા ફોડવા પર પ્રતિબંધ મૂકતા સૂચના જાહેર કરી છે. જાહેર માર્ગો પર ચાલતા રાહદારીઓ પર રંગ, પેઇન્ટ કે તૈલીય પદાર્થ ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને અન્ય રાહદારીઓ પર પાણીભરી ફગવાળા કે રંગ ઉડાડવા પર કડક પ્રતિબંધ રહેશે.
સૂચનામાં શું જણાવાયું?
હોળી 13 માર્ચ 2025ના રોજ અને ધૂળેટી 14 માર્ચ 2025ના રોજ ઉજવાશે. આ તહેવાર સુરત શહેરના વિવિધ વિસ્તારો, જાહેર સ્થળો અને ધાર્મિક સ્થાનો પર ઉજવાય છે. તહેવાર દરમિયાન લોકો એકબીજા પર પાઉડર, પાણીભરેલા ફગવાળા, રંગમિશ્રિત પાણી, કાદવ, તેલીય પદાર્થો કે અન્ય ચીકણા પદાર્થો ફેંકતા હોય છે. જેનાથી જનજીવન ખોરવાઈ શકે છે, જાહેર માર્ગો પર અવરજવર કરતી પ્રજાને મુશ્કેલી પડે છે અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા અશાંતિ ફેલાવવાની શક્યતા રહે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા જાહેર માર્ગો પર શિસ્ત જળવાઈ રહે તે માટે સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હોળી અને ધૂળેટીના દિવસે વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થનારા તત્વો સામે કડક કાર્યવાહી થશે.