સુરત શહેરના મુખ્ય આકર્ષણોમાંના એક એવા સરથાણા નેચર પાર્ક માટે દિવાળીનું વેકેશન ખૂબ જ લાભદાયી સાબિત થયું છે. જાહેર રજાઓ અને તહેવારોની સિઝનમાં સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડતાં 42,85 લાખ રૂપિયાની આવક થઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજિકલ ગાર્ડન સરથાણા નેચર પાર્ક ને દિવાળી વેકેશન ફળ્યું છે, તા. 16-10-2025 થી 6-11-2025 સુધીના લગભગ 21 દિવસના સમયગાળા દરમિયાન, મોટી સંખ્યામાં લોકોએ આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ 21 દિવસના ગાળામાં કુલ 1,53,705 લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જે એક નોંધપાત્ર આંકડો છે.
મુલાકાતીઓની આ ભારે સંખ્યાના કારણે નેચર પાર્કને સારો એવો આર્થિક ફાયદો થયો છે. આ સમયગાળા દરમિયાન ટિકિટ વેચાણ મારફતે રૂપિયા 42,85,930 રૂપિયાની જંગી આવક નોંધાઈ છે. ઉનાળુ વેકેશન, દિવાળી વેકેશન અને જાહેર રજાઓમાં નેચર પાર્કમાં સામાન્ય રીતે ભારે ભીડ જોવા મળતી હોય છે. ખાસ કરીને દિવાળી, ભાઈ બીજથી લઈને લાભ પાંચમ સુધીના દિવસોમાં પરિવાર સાથે ફરવા આવેલા મુલાકાતીઓની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો, નેચર પાર્કમાં વાઘ સિંડ, દીપડા સહિતના પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બને.