Saturday, Sep 13, 2025

મધ્યપ્રદેશની કુખ્યાત ચોરને ઝડપવા સુરત પોલીસે વેશ પલટો કર્યો, ફુગ્ગાવાળા બની દિલ્હીથી ઉપાડી લીધો

2 Min Read

પોલીસ આરોપીઓને પકડવા નીત નવી ટ્રીક વાપરતી હોય છે. ક્યારેક રિક્ષાવાળા, ક્યારેક મજુર તો ક્યારેક ફુગ્ગાવાળા બનીને આરોપીને દબોચતા હોય છે. ઘરફોડ ચોરીના ગુનામાં મધ્યપ્રદેશની કુખ્યાત ”પારઘી” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જેમાં પોલીસે ફુગ્ગાવાળા બનીને શખ્સને દબોચ્યો હતો.

આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલ ભટાર સ્થિત ઠાકોર પાર્ક સોસાયટીના મકાનમાં ગત ૨૮મી જુલાઈના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી.જગદીશ સુખાભાઈ આહીરના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનના બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાના અલગ અલગ ઘરેણાં,કાંડા ઘડિયાળ,મોબાઈલ તેમજ ૫.૫૪ લાખની રોકડ રકમ સહિત ૧૧.૩૬ લાખની મત્તા પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

ઘટનાના પગલે ખટોદરા પોલીસે મકાન માલિક જગદીશ સુખાભાઈ આહિરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ખટોદરા પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી હતી. આ દરમ્યાન પોલીસે ઘટના સ્થળથી લઈ અલગ અલગ વિસ્તારોમાં CCTV ફૂટેજની પણ તપાસ કરી હતી. આ દરમ્યાન ઘટના બની તે સમયના એક્ટિવ મોબાઈલ નંબરો ટ્રેસ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક મોબાઈલ નંબરનું લોકેશન મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આવેલ બાબા કા ખેજરા તાલુકાના કનેરી ગામનું મળી આવ્યું હતું.

ખટોદરા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દિવસ દરમ્યાન શહેરી વિસ્તારોમાં ફુગ્ગા અને રમકડાં વેચવા પોતાની મહિલાઓ જોડે ફરી જે તે મકાનોની રેકી કરે છે. લગ્નપ્રસંગ હોય તેવા મકાનોની બહાર ફુગ્ગા અને રમકડાં વેચવાના બહાને મકાનોની રેકી કરી ત્યારબાદ રાત્રીના સમયે પારઘી ગેંગના તમામ સાગરીતો ટાર્ગેટ કરેલા મકાનોને નિશાન બનાવે છે.જેમાં ભટાર ખાતે આવેલ ઠાકોર પાર્ક સોસાયટીના મકાનની પણ આરોપીઓ દ્વારા પહેલા રેકી કરી અને ત્યારબાદ ગુનાને અંજામ આપ્યો હતો.જે ગુનાનો ભેદ હાલ તો પોલીસે ઉકેલી કાઢી “પારઘી” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.જ્યારે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.પોલીસ તપાસમાં અન્ય ગુના ઉકેલાવાની શકયતા પોલીસે વ્યકત કરી છે.

આ પણ વાંચો :-

Share This Article