Saturday, Sep 13, 2025

સુરતના મોસ્ટ વાંટેડ આરોપીની અમદાવાદથી ધરપકડ

2 Min Read

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સરદાર પટેલ ગ્રુપની ઓફિસમાંથી ત્રણ લાખની ઘરફોડ ચોરી કરી ફરાર થઈ ગયેલ અને ધાડ, ઘરફોડ સહિત આર્મ્સ એકટ જેવા ૨૦ જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલા રીઢા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી શહેર પોલીસ ચોપડે નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સુરતના સરથાણા પોલીસ મથકની હદમાં આવેલા યોગીચોક ખાતે સીટી સેન્ટર કોમ્પ્લેક્સમાં સરદાર પટેલ ગૃપ સંસ્થાની ઓફિસમાંથી અગાઉ ત્રણ લાખની ઘરફોડ ચોરીની ઘટના બની હતી. આ ઘરફોડ ચોરી અન્ય કોઈ નહીં પરંતુ ઓફિસમાં જ કામ કરી ત્યાં રહેતા કર્મચારી નટુ ગાંડાભાઈ બૂટાણી દ્વારા કરવામાં આવી હતી. ત્રણ લાખની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કર્મચારી ફરાર થઈ ગયો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચની માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી અમદાવાદ ખાતે આવેલા પાલડી વિસ્તારમાં છુપાયો છે. જે માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા અમદાવાદના પાલડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રોકડા રૂપિયા ૮૬૦૦૦ અને એક મોબાઈલ મળી આવ્યો હતો. જે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

સરથાણા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા સરથાણા પોલીસ ચોપડે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો. પોતાને રૂપિયાની તાતી જરૂર હોય રાત્રિના બે વાગ્યાના સમય દરમિયાન ઓફિસમાં રહેલા ડ્રોઅરનું લોક તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા ૩ લાખ ચોરી ફરાર થઇ ગયો હતો. જે બાદ પોલીસ ધરપકડથી બચવા પોતે મુંબઈ, રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ અને ત્યારબાદ રાજસ્થાન ખાતે રહી ભાગતો-ફરતો ફરી રહ્યો હતો. જ્યાં ચોરી કરેલા રૂપિયા પોતાના મોજશોખ પાછળ ખર્ચ કર્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article