Wednesday, Oct 29, 2025

સુરત સિવિલ ખાતે 62 વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પટેલના અંગદાનથી ત્રણને નવજીવન

1 Min Read

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 82મું સફળ અંગદાન થયું છે. મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહેતા 62 વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પ્રભુભાઈ પટેલના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે ત્રણ લોકોને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહીને સિક્યોરિટી ગાર્ડની ફરજ બજાવતા હતા. ત્યારે તા.24મી ઓક્ટોબરે બપોરે 12:00 વાગ્યે દલપતભાઈ પટેલને ચક્કર આવતા પડી ગયા હતા. પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતાં તરત જ તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને 2/A વોર્ડમાં દાખલ કર્યા બાદ તેમની હાલત ગંભીર જણાતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા.તા.28મી ઓક્ટોબરના રોજ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ અને ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

ત્યારબાદ પટેલ પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલરે અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વ.દલપતભાઈના પત્ની હંસાબેન અને પુત્ર જયદીપભાઈ, દિકરીઓ પારૂલબેન દલપતભાઈ, અમરૂતાબેન દલપતભાઈ અને ઇલાક્ષીબેન દલપતભાઈ સહિત પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.

Share This Article