કોસંબા ખાતે સોમવારે 2 બાય 1.5 ફૂટની સૂટકેસમાંથી 5.2 ફૂટની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવવાના સનસનીખેજ કેસનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. સુરત એલસીબી એ આરોપી પ્રેમી રવિ શર્માની દિલ્હી નજીક ફિરોઝાબાદથી ધરપકડ કરી છે. લગ્ન માટે દબાણ કરવાથી રવિએ તેની પ્રેમિકાની હત્યા કરી અને મૃતદેહને બેગમાં ભરીને ફેંકી દીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી રવિ શર્મા મૃતદેહ ભરેલી બેગ લઈને જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
પકડાયેલા આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. મૃતક મહિલા (આશરે 25 થી 30 વર્ષ) સાથે રવિ શર્માને પ્રેમ સંબંધ હતો અને તે ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહિલા લગ્ન માટે દબાણ કરતી હોવાથી, રવિએ કંટાળીને તેની હત્યા કરી હતી.
હત્યા બાદ, તેણે મૃતદેહને સૂટકેસમાં ભર્યો અને કોસંબા નજીક ફેંકી દઈને ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં લોકો આ યુગલને પતિ-પત્ની માની રહ્યા હતા, પરંતુ તે મહિલાનો પ્રેમી નીકળ્યો. પોલીસે મૃતદેહના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી સૂટકેસ ક્યાંથી ખરીદવામાં આવી હતી તેની તપાસ કરી હતી. આ તપાસમાં એવું બહાર આવ્યું કે હત્યારા રવિ શર્માએ બેગ ખરીદતી વખતે દુકાનમાં UPI દ્વારા પેમેન્ટ કર્યું હતું. પોલીસને આ UPI ટ્રાન્ઝેક્શનના પુરાવાઓ મળ્યા, જેણે આરોપી સુધી પહોંચવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
મૃતદેહ અજાણી મહિલાનો હોવાથી તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે પ્રતિકાર કરવાના કારણે તેના શરીર પર પાંચ થી છ જેટલા ઉઝરડાના નિશાન પણ જોવા મળ્યા હતા.
સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર ચંદ્રેશે જણાવ્યું કે મહિલાની હત્યા મૃતદેહ મળવાના 24 થી 48 કલાક પહેલા થઈ હોવાની શક્યતા છે. મહિલા સાથે કોઈ બળજબરી થઈ છે કે નહીં તે અંગેના અને અન્ય સેમ્પલો લઈને વધુ તપાસ માટે મોકલાયા છે. પોલીસે આરોપી રવિ શર્માની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે અને કેસની અન્ય કડીઓ જોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.