આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યું હતું કે સંજય સિંહ ૬ મહિનાથી જેલમાં છે અને તેમની પાસેથી કોઈ પૈસા મળ્યા નથી. એટલે કે સંજય સિંહને EDની સંમતિ બાદ જ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ પીબી વરાલેની બેન્ચ મામલે સુનાવણી કરી રહી હતી. બેન્ચે ઈડીને પૂછ્યું હતું કે, સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર શું છે? કોર્ટને સંજય સિંહના વકીલને જણાવ્યું હતું કે મની લોન્ડ્રિંગની પુષ્ટિ નથી થઈ અને મની ટ્રેલની પણ હજુ ખબર નથી પડી. તેમ છતા સંજય સિંહ ૬ મહિનાથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રિંગ મામલે પોતાની ધરપકડ અને રિમાન્ડને પડકારનારી સંજય સિંહની અરજી પણ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ બેન્ચે આપ સાંસદના વકીલની દલીલ પર માન્યું કે સંજય સિંહ પાસેથી કોઈ પૈસા મળી આવ્યા નથી અને તેના પર બે કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ કરાઈ શકાય છે.
આપ નેતાએ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જેણે તેમને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ૭ ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી રાજ્યસભામાં ફરીથી ચૂંટાયેલા સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટને ટ્રાયલ ઝડપથી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.