370 મી કલમ નાબૂદ કરવાના મોદી સરકારના નિર્ણય પર સુપ્રિમની મંજુરીની મ્હોર

Share this story

સુપ્રીમ કોર્ટે કલમ 370 નાબૂદ કરવાની પ્રક્રિયાને કાયદેસર ગણાવી છે. સોમવારે ચુકાદો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે કલમ 370 અસ્થાયી જોગવાઈ હતી. બંધારણ સભાની ભલામણો રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નથી. કલમ 370 નાબૂદ કરવાની સૂચના જારી કરવાની રાષ્ટ્રપતિની સત્તા જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાના વિસર્જન પછી પણ ચાલુ છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે આ કોર્ટ કલમ 370 હેઠળ વિશેષ સંજોગો અસ્તિત્વમાં છે કે કેમ તે અંગે રાષ્ટ્રપતિના નિર્ણય પર અપીલ કરી શકે નહીં. 5 જજોની બંધારણીય બેન્ચે ત્રણ નિર્ણયો આપ્યા છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની આ બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્ત પણ હાજર હતા. ચીફ જસ્ટિસ,  જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતે એક મત નિર્ણય આપ્યો હતો, જ્યારે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસકે કૌલે અલગ-અલગ ચુકાદો લખ્યો હતો.

જો કે અરજદારે એ નિર્ણયને પડકાર્યો નથી, એમ કહીને સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2018માં જમ્મુ અને કાશ્મીરમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની માન્યતા પર ચુકાદો આપવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે,  જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, ત્યારે રાજ્યોમાં સંઘની શક્તિઓ પર મર્યાદાઓ હોય છે. કલમ 356 હેઠળ સત્તાના ઉપયોગ માટે યોગ્ય કારણ હોવું જોઈએ.

CJI એ કહ્યું કે બંધારણીય વ્યવસ્થા એ સૂચવતી નથી કે જમ્મુ અને કાશ્મીર સાર્વભૌમત્વ જાળવી રાખે છે. જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારતનું અભિન્ન અંગ બન્યું તે ભારતના બંધારણની કલમ 1 અને 370 થી સ્પષ્ટ છે.

CJIએ કહ્યું કે,  કલમ 370(3) હેઠળ નોટિફિકેશન બહાર પાડવાની રાષ્ટ્રપતિની સત્તા કે કલમ 370નું અસ્તિત્વ જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાના વિસર્જન પછી પણ ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરનું યુટીમાં પુનર્ગઠન માન્ય છે કે નહીં તે નક્કી કરવું અમને જરૂરી લાગતું નથી. લદ્દાખનું કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે પુનર્ગઠન માન્ય રાખવામાં આવ્યું છે કારણ કે કલમ 3 રાજ્યના એક ભાગને કેન્દ્રશાસિત પ્રદેશ બનવાની મંજૂરી આપે છે

ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કરાવવા માટે પગલાં લેવામાં આવે અને રાજ્યનો દરજ્જો શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે એવો નિર્દેશ પણ ચીફ જસ્ટિસે કર્યો હતો.

આ પણ વાંચો :-