કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના સ્થળો પર આવકવેરા વિભાગના દરોડાનો રવિવારે પાંચમો દિવસ છે અને હજુ પણ બાલાંગીર ખાતે કંપનીના સંકુલમાંથી મળેલી કરોડો રૂપિયાની રોકડની ગણતરી ચાલુ છે. એટલું જ નહીં ધીરજ સાહુની કંપનીના મેનેજર બંટીના ઓડિશાના બોલાંગીરના સુદાપાડા સ્થિત નિવાસ સ્થાનેથી પણ રૂ. ૧૦૦ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. ઝારખંડમાંથી રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ સાથે સંકળાયેલા ૧૦થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે પાડેલા દરોડા રવિવારે પાંચમા દિવસમાં પ્રવેશ્યા છે.
આઈટી અધિકારીઓએ ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ધીરજ સાહુના ઘર અને કંપનીઓના સંકુલો પર બુધવારથી દરોડા પાડયા છે. ઓડિશાના બોલાંગીર ખાતે ધીરજ સાહુ સાથે સંકળાયેલી કંપનીના સંકુલમાં તિજોરીઓ ભરીને રોકડ મળી આવી છે.
બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ, તેના પ્રમોટર અને અન્યો સામે રવિવારે પાંચમા દિવસે દરોડા પાડવામાં આવ્યા હતા. ટેક્સ અધિકારીઓ દ્વારા ૬ ડિસેમ્બરે કરચોરી અને ગેરકાયેદસર વ્યવહારોના આરોપસર દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગનું માનવું છે કે આ ‘બિનહિસાબી’ રોકડ છે અને વેપારી જૂથો, વિક્રેતાઓ અને અન્ય લોકો દ્વારા દેશી દારૂના રોકડ વેચાણમાંથી કમાણી કરવામાં આવી છે.
ગણતરીમાં ટેક્સ વિભાગ અને વિવિધ બેંકોના લગભગ ૮૦ લોકોની નવ ટીમો સામેલ છે, જે ૨૪×૭ કામ કરી રહી છે. જ્યારે ટેક્સ અધિકારીઓને કેટલાક અન્ય સ્થળો ઉપરાંત રોકડથી ભરેલી ૧૦ તિજોરીઓ મળી ત્યારે સુરક્ષા કર્મચારીઓ, ડ્રાઇવરો અને અન્ય સ્ટાફ સહિત ૨૦૦ અધિકારીઓની બીજી ટીમ જોડાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ ૨૦૦ બેગ અને ટ્રન્કનો ઉપયોગ રોકડને ઓડિશાની વિવિધ બેંક શાખાઓમાં જમા કરાવવા માટે કરવામાં આવ્યો હતો. નોટો ગણવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો ઠપ થઈ ગયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.
આ પણ વાંચો :-