Friday, Apr 25, 2025

રાજકોટમાં અંધશ્રદ્ધાએ લીધો શિક્ષિત યુવતીનો ભોગ, જાણો સમગ્ર મામલો ?

2 Min Read

રાજકોટમાં અંધશ્રદ્ધાએ વધુ એક શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે. શહેરના મવડીમાં રહેતા ભૂવાએ નર્સિંગનો અભ્યાસ કરી ચુકેલી યુવતીને તારા પિતા ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે તેમનું મૃત્યુ થશે તેને બચાવવા માટે તારે મારી પાસે આવી વિધિ કરાવવી પડશે કહી જાળમાં ફસાવી હતી. બાદમાં યુવતી પરિવારને છોડી આ ભૂવા સાથે રહેવા લાગી હતી. દરમિયાન ગત 13 તારીખે હોળીના દિવસે ભૂવાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ગઇકાલે(17 માર્ચ) તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પરિવારનો આક્ષેપ છે કે ભૂવાએ તેમની દીકરીને મારી નાખી છે. થોડા સમય પહેલાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પણ સુસાઇડ નોટ લખી હતી. જેમાં ભૂવો શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હોળીના દિવસે ભૂવાના ઘરે ઝેરી દવા પીધી હતી રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગેલ પાનવાળી શેરીમાં રહેતા કેતન સાગઠિયા નામના ભૂવા સાથે રહેતી 26 વર્ષીય નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીએ હોળીના દિવસે સાંજના સમયે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઘટના અંગે અગાઉથી જાણ કરેલી હોવાથી મેટોડા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને ભૂવા ઉપરાંત તેની સાથેના ચાર સાગરીતોને મેટોડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. અહીં ભૂવાએ કબૂલાત આપી હતી કે, લોકોનાં દુઃખ-દર્દ દૂર કરવા માટે દોરા કરવાના નામે રૂ. 5100ની ફી વસૂલતો હતો. જોકે હવે આ તમામ પ્રવૃત્તિ બંધ કરી લોકોની માફી માગું છું. આ વચ્ચે ભૂવાનો એક અશ્લીલ વીડિયો પણ સામે આવ્યો હતો.

Share This Article